ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

મેચ બાદ અફઘાની-પાકિસ્તાની પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં એકબીજા પર ખુરસીઓ ફેંકી, મેચ દરમિયાન ખેલાડીઓ બાખડ્યા હતા

Text To Speech

બુધવારે એશિયા કપમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેની અસર મેચ પુરી થયા બાદ સ્ટેડિયમમાં જોવા મળી હતી. પહેલા મેદાનમાં પાકિસ્તાની બેટ્સમેન આસિફ અને અફઘાની બોલર ફરીદ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. પાકિસ્તાની બેટરે તો અફઘાની બોલરને મારવા બેટ પણ ઉગામ્યું હતું. તો મેચ બાદ બંને દેશના ફેન્સ પણ સામસામે આવી ગયા હતા. આ ઘટનાના કેટલાંક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ચાહકો એકબીજા પર ખુરસી ફેંકતાં અને સૂત્રોચ્ચાર કરતાં જોવા મળે છે.

એકબીજા પર ખુરસીઓ ફેંકી
VIDEOમાં જોવા મળી રહ્યું છે કે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ચાહકો સ્ટેન્ડમાં ખુરસીઓ ઉખાડીને ફેંકતા પોતાના દેશોના ઝંડા લહેરાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, મેચ હાર્યા બાદ અફઘાન સમર્થકોએ સ્ટેડિયમમાં કેટલાક પાકિસ્તાની ચાહકોને માર માર્યો હતો.

અફઘાનિસ્તાન જીતેલી બાજી હારી ગયા
સુપર ફોરની મેચની છેલ્લી ઓવર સુધી અફઘાનિસ્તાન જીતી જશે એવું લાગતું હતું. પાકિસ્તાનની છેલ્લી વિકેટ ક્રીઝ પર હતી અને નસીમ શાહ સ્ટ્રાઇક પર હતો. 6 બોલમાં 12 રનની જરૂર હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી રહેલા ફઝલ્લાહ ફારુકીના હાથમાં બોલ હતો. એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની હાર નિશ્ચિત છે, પરંતુ ફારુકીએ સતત 2 બોલમાં ફુલટોસ ફેંક્યો અને નસીમે બંને બોલ પર સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી. અહેવાલો અનુસાર, આ પછી અચાનક સ્ટેડિયમમાં લડાઈ શરૂ થઈ ગઈ.

મેચ દરમિયાન અફઘાની બોલર અને પાકિસ્તાની બેટ્સમેન વચ્ચે પણ ચકમક થઈ હતી
મેચ દરમિયાન પાકિસ્તાની બેટર આસિફ અને અફઘાની બોલર ફરીદની વચ્ચે તીવ્ર ચકમક જરી હતી. 19મી ઓવર માટે આવેલા ફરીદના ચોથા બોલ પર આસિફે સિક્સ ફટકારી હતી. તેના બીજા જ બોલે ફરીદે આસિફને કેચ આઉટ કરાવી દીધો હતો. નોન-સ્ટ્રાઈકર આસિફ અને ફોલો થ્રુ તરફ જઈ રહેલા ફરીદ વચ્ચે ટક્કર થઈ. આ પછી બંનેએ એકબીજાને કંઈક કહ્યું અને આસિફે ફરીદને મારવા માટે બેટ ઉગામ્યું હતું. બંને ટીમના ખેલાડીઓએ બચાવમાં આવવું પડ્યું હતું.

 

Back to top button