અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

Text To Speech

અમદાવાદ, 09 જુલાઈ 2024, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ભાંગી પડેલી કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક જીત્યા બાદ જોમ આવ્યું છે. હવે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્રણ દિવસના સંગઠન પ્રવાસ દરમ્યાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની કોંગ્રેસ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

પક્ષને ફરી બેઠો કરવા માટે કાર્યકરોએ કમરકસી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કાર્યકરોમાં નવી ઉર્જા ઉમેરાઈ છે. પડી ભાંગેલા પક્ષને ફરી બેઠો કરવા માટે કાર્યકરોએ કમરકસી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકની મુલાકાત દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની કોંગ્રેસ કારોબારી યોજાશે. જેમાં સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીમાં જીત મેળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનો સન્માન સમારોહ યોજાશે
આવતીકાલે 10 જુલાઈએ મુકુલ વાસનીક અમદાવાદ આવશે. ત્યાર બાદ બપોરે તેઓ બનાસકાંઠાના ઉમેદવાર અને સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેશે. 3 દિવસ દરમિયાન મુકુલ વાસનિક 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે. 10 તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પાલનપુર જશે. પાલનપુરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ યોજાશે. મુકુલ વાસનીક અને શક્તિસિંહ ગોહિલ ગેનીબેનનું સન્માન કરશે.11 તારીખે ગાંધીધામમાં કચ્છ અને મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. 12 તારીખે સુરેન્દ્રનગરમાં અને સાંજે અમદાવાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળશે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોએ જામીન અરજી કરી

Back to top button