ઇસ્લામાબાદ વિસ્ફોટ બાદ પાક.પીએમ બેકફૂટ ઉપર, લીધો આ તાબડતોબ નિર્ણય
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ગયા અઠવાડિયે થયેલા આત્મઘાતી વિસ્ફોટને લઈને વિશ્વભરની ચિંતા વચ્ચે વડા પ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં તેમણે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે દેશમાં આતંકવાદના વધતા જતા ખતરાનો સામનો કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. એનએસસીની બેઠકમાં તમામ સેના પ્રમુખો, કેબિનેટ મંત્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. એનએસસીની બેઠક બાદ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ કહ્યું કે આ બેઠકમાં આતંકવાદનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
પીએમને અપાઈ આંતકવાદ વિશે માહિતી
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના મહાનિર્દેશક, લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમે બેઠકમાં પાકિસ્તાનમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓ અને પાકિસ્તાન-અફઘાન સરહદ પરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ગુરુવારે વડા પ્રધાન શરીફને મળ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જનરલ મુનીરે વડાપ્રધાન શરીફને દેશમાં વધી રહેલા આતંકવાદ અંગે માહિતી આપી હતી.
આર્થિક પડકારોનો સામનો કરવાની વ્યૂહરચના પર ચર્ચા
વધુમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન, ગુપ્તચર એજન્સીઓના વડાઓએ દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, તાજેતરની આતંકવાદી ઘટનાઓ અને તેની સાથે વ્યવહાર કરવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. પીએમઓએ જણાવ્યું કે, બેઠકમાં પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે અધિકારીઓને દેશ સામેના આર્થિક પડકારો અને તેનો સામનો કરવાની સરકારની વ્યૂહરચના વિશે જાણકારી આપી. વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે અફઘાનિસ્તાનની વચગાળાની સરકાર સાથે પાકિસ્તાનના સંબંધો વિશે જાણકારી આપી.