અમદાવાદ: નકલી કાગળોથી અસલી ભરતી; ભૂતિયા શિક્ષક કાંડ બાદ ભાજપનું બોગસ શિક્ષક કાંડ પુરાવા સાથે સામે આવતા કોંગ્રેસે કર્યા પ્રહાર
અમદાવાદ 14 ઓગસ્ટ 2024 : અમદાવાદ શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રોડતા હેમાંગ રાવલે બોગસ શિક્ષક કાંડ ને લઈને ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ખોટા શારીરિક ખોડખાપણ અને સ્પોર્ટસના ખોટા સર્ટિફિકેટ રજુ કરી શિક્ષકો પગાર લઈ રહ્યા છે. જે લોકોએ અરજી પણ નોહતી કરી તેમને શિક્ષકની સરકારી નોકરી આપી મહેકમ કરતા વધારે ભરતી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે તથા દલા તરવાડીની જેમ ભાજપ જાતે ને જાતે મુખ્યમંત્રીને “મૃદુ અને મક્કમ” કહેવડાવે છે પરંતુ તેમના રાજમાં તંત્ર “બોદુ અને નાકામ” થઈ ગયું છે તેવું રોકતા હેમાંગ રાવલે જણાવી પ્રેસ મીડિયાને પુરાવા આપી હકીકતનું વર્ણન કર્યું હતું શું કહેવું છે કોંગ્રેસ પ્રવક્તાનું જાણીએ વિગતવાર!!!
કરોડો રૂપિયાનો વ્યવસ્થિત આયોજનથી કરેલો ભ્રષ્ટાચાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ દાયકાના શાસનમાં અનેક કૌભાંડો અને શિક્ષિત બેરોજગારો સાથે થઈ રહેલા અન્યાયનો કીર્તિમાન સ્થાપિત થયો છે. એક તરફ વિદ્યાસહાયકની ભરતી માટે લાખો ઉમેદવારો સંઘર્ષ કરી રહ્યાં છે, આંદોલન કરી રહ્યાં છે અને તેમને જ્ઞાન સહાયક બનાવીને કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનાવવામાં આવે છે ત્યારે બીજી તરફ ભાજપ સરકારે નિર્લજ્જતાની હદ્દ વટાવી છે. રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર બેઠા છે અને સરકારના જવાબદાર અધિકારીઓ તેમના સગા – વ્હાલાને સાચવી લેવા માટે હોડ કરી રહ્યા છે. ભાજપ સરકાર લાજવાની બદલે ગાજી રહી છે અને કૌભાંડો સામે આંખ આડા કાન કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ સચિવને પણ આ વાતની, કૌભાંડની જાણ હતી, પુરાવા સાથે આ વાત તેમની સામે પહોંચી હતી છતાં પણ આ રમત રમાતી રહી. ગુજરાતમાં વર્ષ ૨૦૧૦માં ખેડા જિલ્લામાં ૧૪૧ વિદ્યાસહાયકની ભરતી જાહેરાત બહાર પડી હતી. ૧૪૧ ભરતીની સાથે ૨૩ એવા ઓર્ડર આપવામાં આવ્યા જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી. વધુમાં, આ ઉમેદવારોએ અપંગતાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતાં. સામાન્ય પ્રવાહમાં પીટીસી વિદ્યાસહાયકમાં ૬૩ની બદલે ૬૭ ઉમેદવારો લેવામાં આવ્યા. જ્યારે વિજ્ઞાનપ્રવાહમાં ૩ વધુ ઉમેદવારો લેવામાં આવ્યા. આવી જ રીતે બીજા વિભાગોમાં પણ ગેરરીતિથી ઉમેદવારો લેવામાં આવ્યા. વ્યાજબી છે કે, સરકારી મહેકમમાં જાહેર કરેલ ૧૪૧ સરકારી શિક્ષકોનો પગાર બજેટમાં ફળવાય પરંતુ વધારાના આ ૨૩ શિક્ષકોનો પગાર હાલ કેવી રીતે અને કયા હેડમાં ચૂકવાય છે તે નવાઈની વાત છે. આ કરોડો રૂપિયાનો વ્યવસ્થિત આયોજનથી કરેલો ભ્રષ્ટાચાર છે. ૧૪ વર્ષોથી સળંગ ચાલતો આ ભ્રષ્ટાચાર છે. ૧૪ વર્ષથી જનતાના પૈસા ગેરરીતીઓ પાછળ વેડફતી આ ભાજપ સરકાર છે. બેરોજગારો, યુવાધનને ૩૦ વર્ષથી અન્યાય કરતી આ ભ્રષ્ટ ભાજપ સરકાર છે.
“ખેલો ઈન્ડિયા” હેઠળ મોદી સરકારે 593 કરોડનું બજેટ ફાળવ્યું
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૦૮માં સ્પોર્ટ્સના માર્ક્સ મેરિટમાં ગણવાનો ઠરાવ આવ્યો હતો. છેલ્લા ૧૩ વર્ષથી “ખેલો ઇન્ડિયા” “રમશે ગુજરાત અને જીતશે” ગુજરાતના રૂપાળા સ્લોગનથી ગુજરાતમાં કરોડો રૂપિયા વપરાય છે. ખેલો ઈન્ડિયા હેઠળ મોદી સરકારે દેશમાં સૌથી વધારે બજેટ ગુજરાતને ૫૯૩ કરોડનું ફાળવ્યું છે પણ ગુજરાત કબડ્ડી એસોસિયેશન નામની સંસ્થાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી ઉમેદવારોને સર્ટીફીકેટ આપ્યા હતા. આ ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા ૮૪ શિક્ષકોની જાણ થતાં તેમની ચકાસણી કરવામાં આવી અને સર્ટિફિકેટ બોગસ નીકળ્યા, જેથી જામનગર શિક્ષણ પ્રશાસને તેઓને છૂટા કર્યા. તે જ પ્રમાણે વડોદરામાં ૩૩ જેટલા શિક્ષકોને છૂટા કર્યા. પરંતુ, આ જ સંસ્થા, ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા ૩૨ સરકારી શિક્ષકો હાલમાં ખેડા જિલ્લામાં નોકરી કરી પગાર લઈ રહ્યાં છે. વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૦૮માં આ જ રીતે ૨૫૭ જાહેર કરેલ જગ્યા પર વધારાના ૬૪ ઉમેદવારો લેવામાં આવ્યા હતા. જાહેર કરેલ પરિપત્રમાં ઉલ્લેખ હતો કે, જાહેરાતમાં દર્શાવેલ જગ્યા કરતાં એક પણ જગ્યા ભરવી નહિ જો ભરશે તો તે જવાબદારી પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે.
ભૂતકાળમાં ઇડર અને ખેડબ્રહ્મામાં આ જ પ્રમાણે ભરતી કૌભાંડ ઉજાગર થતાં તે વખતના ડીઈઓ, ક્લાર્ક, ૨૦ જેટલા શિક્ષકો, શાળા સંચાલકો પર એફઆઇઆર કરવામાં આવી હતી અને તેમની પાસે પગારથી ત્રણ ગણી વસુલાત કરવામાં આવી હતી. તે જ રીતે ભૂતકાળમાં ખોટા વિકલાંગતાના સર્ટિફિકેટ રજૂ કરાયેલ ૨૧ ઉમેદવારોને ભરતીમાંથી રૂખસત કર્યા હતા અને એફઆઇઆર પણ કરવામાં આવી હતી. અહીં અગત્યની વાત એ છે કે, જે લોકો પસંદગી સમિતિમાં હતા તેમના જ બાળકોને ખોટા સર્ટિફિકેટ રજૂ કરી નોકરીમાં લાવવાનો કારસો ઘડવામાં આવ્યો અને આજે પણ તેઓ ફરજ પર છે, પગાર મેળવી રહ્યાં છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં આ પ્રકારના શિક્ષક ભરતી કૌભાંડ થયા હતા ત્યારે સી.બી.આઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દોષિતો અત્યારે પણ જેલમાં છે. ૨૦૦૮ના વડોદરાના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડ મોટું હોવાથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવી જોઈએ. પરંતુ, આજ સુધી તે શક્ય બન્યું નથી. આ સિવાય અમરેલી, રાજકોટ, ભાવનગરમાં જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના કૌભાંડની શક્યતા છે.
2008 અને 2010 નાં ભરતીના આંકડા
વર્ષ- ૨૦૦૮
શિક્ષક ભરતી જાહેરાત -૨૫૭
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા- ૬૪
કુલ ભરતી- ૩૨૧
વર્ષ- ૨૦૧૦
શિક્ષક ભરતી જાહેરાત – ૧૪૧
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા- ૨૩
કુલ ભરતી- ૧૬૪
બનાવટી કાંડમાં મદદ કરનારાઓને કડક સજાની માંગ
જો આ સ્થિતિ વિગતવાર જોઈએ તો માત્ર એક જ જિલ્લામાં (ખેડા) જાહેરાત થયેલ ભરતી અને મહેકમ કરતાં ૮૭ શિક્ષકોની ભરતી વધારાની, ભ્રષ્ટાચાર દ્વારા કરીને ખરેખરમાં સાચા મહેનત કરીને મેરિટમાં આવેલ યુવાનોને અન્યાય થયેલ છે તથા સરકારી ખજાનાને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે. જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગ કરતા કહ્યું છે કે, આ કૌભાંડની સી.બી.આઈ દ્વારા સઘન તપાસ થવી જોઈએ, સમગ્ર ગુજરાતની ૨૦૧૦થી થયેલ શૈક્ષણિક ભરતીઓની તપાસ કરી તેઓએ રજૂ કરેલ સર્ટીફિકેટની ચકાસણી કરાવીને દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે લોકો બોગસ – નકલી સર્ટિફિકેટ સાથે નોકરીમાં જોડાયા છે તેમને સત્વરે ઘરે બેસાડવા જોઈએ. સાથે જ, જે સંસ્થાઓ – વ્યક્તિઓએ આ બનાવટી કાંડમાં મદદ કરી છે તેઓને પણ કડક સજા કરવી જોઈએ અને બેરોજગારોને ન્યાય આપી જલ્દીથી ખાલી થયેલા મહેકમ ભરવા જોઈએ.
આ પણ વાંચો : અમદાવાદ: સર્કલ ઓફ આર્ટ અને કરણ ફાઉન્ડેશન આયોજીત પોટ (કુંડા) પર પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ