- પોલીસ ઇન્સ્પેકટરનું 20 દિવસ પહેલા ગંભીર બિમારીના કારણે મૃત્યુ
- એન. કે. દેસાઈ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું હાલીસા ગામના વતની
- પોલીસ મિત્રોએ પરિવારને આર્થિક મદદ કરી સાચી શ્રદ્ધાંજલિ આપી
નોકરી અને સત્તાની હરીફાઈમાં કેટલાય લોકો વચ્ચે મનદુઃખ અને વેર થતું જોવા મળે છે. ખાસ કરીને પોલીસ વિભાગમાં સત્તાના પાવરને લઈને ઘર્ષણના ઘણા બનાવો બન્યા છે. પરંતુ આજે એક એવો કિસ્સો કે જેમાં પોલીસ ઇન્સ્પેકટરના મૃત્યુ પછી તેના પોલીસ મિત્રો તેની વ્હારે આવ્યા છે. આ કિસ્સો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું હાલીસા ગામ એન. કે. દેસાઈ ઉર્ફે નવનીત ચૌધરીનો. પોલીસ મિત્રો દ્વારા 53 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકઠી કરી છે. ઘટનાને વિસ્તારથી જોઈએ.
આ પણ વાંચો : અમદાવાદના નામચીન બિલ્ડરની “રંગીન પાર્ટી”માં પોલીસે ભંગ પડાવ્યો
20 દિવસ પહેલા ગંભીર બિમારીના કારણે મૃત્યુ
પોલીસ ઇન્સ્પેકટર નવનીત ચૌધરી 20 દિવસ પહેલાં ગંભીર બિમારીના કારણે મૃત્યુ પામ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટર એન. કે. દેસાઈ ઉર્ફે નવનીત ચૌધરી જુવાનીમાં જ મૃત્યુ પામતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દુઃખદ સ્થિતિમાં ગરકાવ થઈ ગયેલા એન. કે. દેસાઈના પરિવારની વ્હારે તેમના સાથી પોલીસ મિત્રો આવ્યા છે અને તેમણે 53 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકઠી કરી છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટના સમયે સાથી મિત્રોએ મૃતકના પરિવારજનોને સહાય તેમજ સાથ આપ્યો છે. આ ઘટના આજે પણ મિત્રતા જીવિત હોવાનો પુરાવો છે.
આ પણ વાંચો : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અરવલ્લી જિલ્લામાં પોલીસ આવાસનું કરાયુ લોકાર્પણ
એન. કે. દેસાઈના જીવનની સફર
એન. કે. દેસાઈ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું હાલીસા ગામના વતની છે. માતા-પિતા, પત્ની અને પુત્ર સાથે રહેતા નવનીત ચૌધરીના પિતા કોરાનાકાળમાં મૃત્યુ પામ્યા હતા. હાલ તેમનો પુત્ર ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો છે. વર્ષ 2010ની PSI બેચમાં પસંદગી પામેલા એન. કે. દેસાઈએ પંચમહાલ, દાહોદ અને સીઆઈડી ક્રાઈમમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PI) ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2019માં તેમનું PI તરીકે પ્રમોશન આવ્યા બાદ તેમની ફરીથી બિમારીના કારણોસર સીઆઈડી ક્રાઈમમાં નિમણૂંક કરાઈ હતી. ગત વિધાનસભા-2022 ચૂંટણી દરમિયાન એન. કે. દેસાઈને અમદાવાદ શહેરમાં બદલી થઈ હતી.
આ પણ વાંચો : ગૃહમંત્રી હર્ષ સંઘવી ઓચિંતા પહોંચ્યા સાબરમતી જેલ, અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક કરી
એન. કે. દેસાઈને પોલીસ મિત્રોએ આપી સાચી શ્રદ્ધાંજલિ
વર્ષ 2010ની બેચમાં તાલીમ લેનારા 600થી વધુ PSI આજે PI બની ગયા છે તેમજ ગુજરાતના જુદા-જુદા શહેર, જિલ્લા અને બ્રાંચમાં ફરજ બજાવી રહ્યાં છે. ગત 4 એપ્રિલના રોજ એન. કે. દેસાઈનું દુ:ખદ અવસાન થયા હોવાના સમાચાર સાંભળતા જ નજીકમાં રહેતા કેટલાંક સાથી મિત્રો દોડી આવ્યા હતા. એન. કે. દેસાઈના મૃત્યુથી પરિવારનો આધાર છીનવાઈ ગયો હોવાનું વાતચીતમાં જાણતા કેટલાંક મિત્રોએ સાથી મિત્રો સાથે ચર્ચા બાદ મદદ માટે ટહેલ નાંખી. ગણતરીના દિવસોમાં જ મોટાભાગના બેચમેટે યથાશક્તિ ભંડોળ એકઠું કર્યું. 53 લાખ રૂપિયા જેટલી રકમ ઉપરાંત તેમના સાથી મિત્રો તેમના પરિવારને જરૂરી મદદ કરવા પણ તૈયારી દર્શાવી સાચી શ્રદ્ધાંજલિ આપી છે.