રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરનું બાંધકામ ફરી 15 ફેબ્રુઆરીથી શરુ થશે
અયોધ્યા, 30 જાન્યુઆરી : 22 જાન્યુઆરીએ નવા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દરરોજ લગભગ બે લાખ ભક્તો રામલલાના દરબારમાં આવે છે. જોકે, એ સર્વવિદીત છે કે, રામ મંદિરનું બાંધકામ હજુ અધૂરું છે અને 2025ના અંત સુધીમાં તે પૂર્ણ થશે એવી જાહેરાત રામ મંદિર ટ્રસ્ટે અગાઉ કરેલી જ છે. આ સંજોગોમાં નિર્માણ કાર્ય કરી રહેલી કંપની એલએન્ડટીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે 15 જાન્યુઆરીથી રામ જન્મભૂમિ સંકુલમાં ચાલી રહેલા બાંધકામને અટકાવી દીધું હતું અને તમામ કામદારોને એક મહિનાની રજા આપી હતી. હવે મશીનોને ફરીથી એસેમ્બલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાંધકામ સ્થળ પર લગભગ 3,500 કામદારો તૈનાત કરવામાં આવ્યા છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં હવે અધૂરા કામને ફરી શરૂ કરવાની તૈયારીઓ ચાલુ થઈ છે. મંદિરની પશ્ચિમ બાજુએ બે ટાવર ક્રેન્સ ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જ્યારે કામદારો 15 ફેબ્રુઆરીએ સાઇટ પર પાછા ફરશે. રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું કે, ‘મંદિરના પહેલા માળનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે બીજા માળ અને શિખરનું કામ ફરી શરૂ થશે, અમે આ માટે તૈયારીઓ કરી લીધી છે.
કામદારોને 1 મહિનાની રજા
એલએન્ડટીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે 15 જાન્યુઆરીથી રામ જન્મભૂમિ સંકુલમાં ચાલી રહેલું બાંધકામ બંધ કરી દીધું હતું અને તમામ કામદારોને એક મહિનાની રજા આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ કામદારોને કામ પૂર્ણ કરવા માટે પાછા બોલાવવામાં આવ્યા છે. રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા માર્બલ નિષ્ણાત રોહિત ભાટિયાએ કહ્યું કે 15 ફેબ્રુઆરીએ કામદારો કામ પર પાછા ફરશે, રામ જન્મભૂમિ સંકુલમાં સ્થાપિત મશીનોને ફરીથી એસેમ્બલ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. બાંધકામ સ્થળ પર લગભગ 3,500 કામદારો તૈનાત કરવામાં આવ્યા છે.
મશીનો લગાવવામાં આવ્યા
પ્રાણ પ્રતિષ્ઠાના કારણે મંદિરમાં નિર્માણ કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેથી બાંધકામના કામમાં રોકાયેલા મશીનો દૂર કરવામાં આવ્યા હતા અને હવે તે ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. સાથે જ, L&Tના કામદારો પણ એક સપ્તાહમાં મંદિરના બાંધકામ માટે પાછા ફરશે.
આ પણ વાંચો : કુમાર બિરલાએ ભારતના ગતિશીલ અર્થતંત્રને વખાણ્યું, કહ્યું- ‘Just Looking Like A WoW’