ગુજરાતટોપ ન્યૂઝ

ગ્રીષ્માના પરિવારને હર્ષ સંઘવીએ આપી સાંત્વના, ભાવુક થયા; પરિવારે રડતાં રડતાં બે હાથ જોડી આભાર માન્યો

Text To Speech

ગુજરાતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરુવારે દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસના ચુકાદાને ગ્રીષ્માના પરિવાર સહિત લોકોએ પણ આવકાર્યો છે. ત્યારે આજે ગૃહ રાજ્યંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓએ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી સાથે રેન્જ IG સહિતના ઉચ્ચા પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળીને સાંત્વના આપી હતી. આ સમયે તેઓ ભાવુક પણ થઈ ગયા હતા.

ગ્રીષ્માના પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા સહિત મોટી સંખ્યામાં સ્વજનો અને આસપાસના લોકો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

દોષી ફેનિલની સજા જાહેર થયા બાદ ગ્રીષ્માના ઘરે પ્રાર્થના સભા યોજાઈ.

જો કે આરોપી ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખે કહ્યું કે ચુકાદાથી અમે સંતુષ્ટ નથી.અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું.

હર્ષ સંઘવી ભાવુક થયા જુઓ આ વીડિયો………

ગ્રીષ્માના પરિવારને ઘટનાના માત્ર 81 દિવસમાં ન્યાય આપી દેવામાં આવ્યો છે. ત્યારે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા હતા.ગ્રીષ્માનો પરિવાર હર્ષ સંઘવીને જોતા જ ડૂસકેને ડૂસકે રડી પડ્યો હતો. હર્ષ સંઘવી પણ થોડી ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. હર્ષ સંઘવીએ પરિવારને દિલાસો આપ્યો હતો.

આ મુલાકાત પહેલા ગૃહ રાજ્યમંત્રીએ પોતે ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમને ટ્વીટ કરી લખ્યું હતું કે આજના મારા ઘણાં વ્યસ્ત કાર્યક્રમો રદ કરી હું ગ્રીષ્માના પરિવારને મળીશ. તેના માતા પિતાને વંદન કરીશ. આ મુલાકાત બાદ હર્ષ સંઘવી સુરત પોલીસની ટીમ સાથે તેમજ સરકારી વકીલની ટીમને પણ મળશે.

મેં ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂરું કર્યુઃ હર્ષ સંઘવી
કોર્ટ દ્વારા ફેનિલને સજા સંભળાવવામાં આવ્યા બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.જ્યાં તેઓએ સૌપ્રથમ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને કહ્યું હતું કે, આજે મેં ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ કર્યું છે. કાલે હું મારા તમામ કાર્યક્રમો રદ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવવા જવાનું છું. કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂપેન્દ્ર સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. માતા-બહેન,દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.

હત્યારા ફેનિલની હવે ઓળખ 2231 નંબરના કેદી તરીકેની
ગ્રીષ્માની હત્યાનો કેસ કોર્ટે રેરેસ્ટ ઓફથી રેર ગણાવી હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે આરોપી ફેનિલને કેદી નંબર ફાળવી દેવાયો છે. આ સાથે ફેનિલની ઓળખ હવે 2231 નંબરના કેદી તરીકેની થઈ ગઈ છે. હાલ ફેનિલ તબીબી નિરીક્ષણ હેઠળ છે. પાકા કામના કેદી તરીકેની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. ફેનિલને ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રખાશે.

ગુરુવારે દોષિત ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી. કોર્ટમાં રજૂ કરતાં સમયની ફેનિલની તસવીર

કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી મૃત્યુદંડની સજા ફટકારી
સુરતના ચકચારી એવા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ચાલતી આ ટ્રાયલમાં કોર્ટ દ્વારા 105 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે ચુકાદમાં જાહેરમાં લોકોમાં ડર પેદા કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાથી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો હતો. આ કેસમાં કોર્ટે કેટલીક મહત્વની વસ્તુઓ ટાંકી હોવાથી ફાંસીની સજા સંભળાવી છે.

ગ્રીષ્મા વેકરિયા કેસમાં આરોપીની ધરપકડ બાદ માત્ર પાંચ દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા પણ આ કેસમાં રોજીંદી ટ્રાયલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આશરે 500 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.

Back to top button