એલ્વિશ યાદવનો સાપ સાથેનો વીડિયો થયો વાયરલ, આ પંજાબી સિંગરની પણ મુશ્કેલીઓ વધી
નવી દિલ્હી, 19 માર્ચ: ‘બિગ બોસ ઓટીટી 2’નો વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. એલ્વિશ યાદવની સાપના ઝેરનો ઉપયોગના આરોપમાં અટકાયત કરાઈ છે. આ વાતની તેણે ખુદ કબૂલાત કરી હતી. આ દરમિયાન તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં એલ્વિશ યાદવ સાથે સિંગર ફાઝિલપુરિયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સિંગર ફાઝિલપુરિયાની પણ મુશ્કેલીઓ વધી છે.
વીડિયોમાં એલ્વિશના હાથમાં એક સાપ જોવા મળ્યો હતો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એલ્વિશ યાદવના હાથમાં સાપ જોઈ શકાય છે. વીડિયોમાં એક-બે નહીં પરંતુ અનેક સાપ જોવા મળ્યા છે. આમાં એલ્વિશ યાદવ પહેલા સાપને પકડે છે, પછીથી બીજા કોઈને સોંપી દે છે. આ બધા વચ્ચે તેની બાજુમાં સિંગર ફાઝિલપુરિયા પણ સાપને પકડવાનો પ્રયાસ કરતા નજરે પડે છે.
જાણો શું છે સમગ્ર મામલો ?
એલ્વિશે કબૂલ્યું છે કે, તે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને અલગ-અલગ રેવ પાર્ટીમાં મળ્યો હતો. નોઇડા પોલીસે એલ્વિશ યાદવ પર 29 NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્ત્વનું છે કે, જો કોઈ ડ્રગ સંબંધિત ષડયંત્રમાં સામેલ હોય ત્યારે 29 NDPS એક્ટ લાગુ થાય છે. આ કાયદા હેઠળ નોંધાયેલા આરોપીઓને સરળતાથી જામીન મળતા નથી. ગયા વર્ષે, પીપલ ફૉર એનિમલ્સ (PFA) સંગઠનની ફરિયાદના આધારે નોઇડા પોલીસે સેક્ટર 51 સ્થિત બેન્ક્વેટ હોલમાં દરોડો પાડીને પાંચની ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, કોર્ટે એલ્વિશને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જેલ સત્તાવાળોએ તરફથી જાણવા મળ્યું છે કે, એલ્વિશ યાદવની જેલમાં પહેલી રાત બેચેની અને નિરાશામાં પસાર થઈ હતી.
PFAએ એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીનો આરોપ લગાવ્યો
PFAએ તેની FIRમાં એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો પણ દાવો કરાયો છે કે, તેણે વિદેશીઓને આમંત્રણ આપ્યું હતું અને ઝેરી સાપની વ્યવસ્થા કરી હતી. જો કે, દરોડા દરમિયાન નવ ઝેરી સાપ મળી આવ્યા હતા. પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ સાપના ઝેરની ગ્રંથીઓ કાઢવી એ સજાપાત્ર ગુનો છે અને ગુનેગારને સાત વર્ષની જેલ થઈ શકે છે. એટલું જ નહીં, એલ્વિશ તાજેતરમાં ગુરુગ્રામમાં સાગર ઠાકુર (મેક્સ્ટર્ન) નામના યુટ્યુબરને મારવા બદલ પણ લાઇમલાઇટમાં છે.
આ પણ વાંચો: એલ્વિશ યાદવના માતા-પિતા રડી પડ્યા, કહ્યું- ‘દીકરો નિર્દોષ છે, દયા કરો’