ગુજરાત

800 કરોડના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીના રિમાન્ડ થયા નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટના આદેશ

Text To Speech

મહેસાણાની દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની તેમના કાર્યકાળ દરમિયાન દૂધસાગર ડેરીમાં કરવામાં આવેલા રૂપિયા 800 કરોડના કૌભાંડના અનુસંધાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિમાન્ડ પૂરા થતા તેમને આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એસીબીએ વધુ 6 દિવસના રિમાન્ડની માગંણી કરી હતી. ઉપરાંત સરકારી વકીલે કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની પણ રજૂઆત કરી હતી. સાથે જ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની પણ રજૂઆત આવી છે.

 કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યા:

અમદાવાદ પોલીસની ટીમ વિપુલ ચૌધરીને લઈને મહેસાણા કોર્ટમાં પહોંચી હતી. કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીના વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરવામાં આવી હતી. એસીબીએ વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો:

વિપુલ ચૌધરીએ આચરેલા કૌભાંડમાં સમગ્ર વિગતો 15 સપ્ટેમ્બરના રોજ બહાર આવી હતી. તે દિવસે મોડી રાત્રે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરમાં આવેલા તેમના ફાર્મ હાઉસ પંચશીલ ખાતેથી એસીબી તથા પોલીસે ધરપકડ કરી હતી. તે સમયે ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી અને મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.

વિપુલ ચૌધરીએ કરોડોના બાંધકામ કરાવ્યા હતા, જે બાંધકામ માટે પણ SOPનું પણ ઉલ્લંઘન કર્યું હતું. તેમણે ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો અને ડેરીમાં ભ્રષ્ટાચાર કરીને વિપુલ ચૌધરીએ 31 કંપની ખોલી હતી જેમાં મની લોન્ડરિંગ થયું હોવાનું સામે આવ્યુ છે. તેમજ 2005 થી 2016 સુધી ગેરરીતિ આચરવામાં આવી હતી.આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ કરોડોના કૌભાંડ કર્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી, તેમાં સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ આચરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : ગાયો રોડ ઉપર આવતા થરાદ-સાંચોર હાઇવે પર ચક્કાજામ

Back to top button