વાંકાનેરમાં પુત્રએ કરેલા આપઘાતના દુઃખમાં હવે માતાએ બે પુત્રીઓ સાથે જીવન ટૂંકાવ્યું


વાંકાનેર, 1 જાન્યુઆરી 2023, ગુજરાતમાં બોટાદમાં ટ્રેન નીચે ઝંપલાવી એક જ પરિવારના સભ્યોએ આપઘાત કર્યાની ઘટના હજી તાજી છે. ત્યાં વાંકાનેરમાં એક સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. માતાએ બે યુવાન પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. માતા અને બે પુત્રીએ વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં મૃતકના પરિવારનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
11 મહિના પૂર્વે પુત્રએ આપઘાત કર્યો હતો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 45), સેજલબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 19) અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 23) નામની માતા અને બે પુત્રીઓએ આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ તેની યાદમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:રાજકોટમાં વ્યાજખોરો પર તવાઇ, જસદણમાં 21 સામે નોંધાઇ ફરિયાદ