મુબઇમાં હવે કાળી-પીળી પદ્મિની ટેક્સીઓ રસ્તા પર નહીં દોડે
- પ્રીમિયર પદ્મિની ટેક્સીઓ હવે સોમવારથી મુંબઈમાં સત્તાવાર રીતે ચાલશે નહીં
- તેને કાલી-પીલી તરીકે પણ ઓળખવામાં આવતી હતી
- કેટલાક લોકોની માંગ છે કે ઓછામાં ઓછી એક પ્રીમિયર પદ્મિનીને રસ્તા પર અથવા મ્યુઝિયમમાં સાચવવામાં આવે
મુંબઈ, 29 ઑક્ટોબરઃ છેલ્લા કેટલાક દાયકાથી દેશની આર્થિક રાજધાની મુંબઈ વિશે કોઈ વિચારે તો તેના મગજમાં શહેરની ‘પ્રીમિયર પદ્મિની’ ટેક્સીનું ચિત્ર ચોક્કસપણે ઊભરતું હતું. આ ટેક્સી સેવા જે દાયકાઓથી સામાન્ય લોકો માટે પરિવહનનું એક અનુકૂળ માધ્યમ છે. તેના કાળા અને પીળા રંગના કારણે તેને કાલી-પીલી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. મુંબઇના રહેવાસીઓનું આ ટેક્સી સેવા સાથે ઊંડુ જોડાણ છે. હવે લગભગ છ દાયકા બાદ તેની સફરનો અંત આવવાનો છે. નવા મોડલ અને એપ આધારિત કેબ સર્વિસ બાદ હવે આ કાળી અને પીળી ટેક્સીઓ મુંબઈના રસ્તાઓ પરથી દૂર થઈ જશે. તાજેતરમાં જાહેર ટ્રાન્સપોર્ટર બેસ્ટની પ્રખ્યાત લાલ ડબલ-ડેકર ડીઝલ બસોને રસ્તા પરથી હટાવ્યા બાદ હવે કાળી અને પીળી ટેક્સીઓ પણ જોવા નહીં મળે.
છેલ્લી કાળી- પીળી ટેક્સી 2003માં નોંધાઇ હતી
પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લી પ્રીમિયર પદ્મિની 29 ઓક્ટોબર 2003ના રોજ તારદેવ આરટીઓમાં કાળી-પીળી ટેક્સી તરીકે નોંધવામાં આવી હતી. શહેરમાં કેબ ચલાવવાની સમય મર્યાદા 20 વર્ષની હોવાથી પ્રીમિયર પદ્મિની ટેક્સીઓ હવે સોમવારથી મુંબઈમાં સત્તાવાર રીતે ચાલશે નહીં. વિન્ટેજ ટેક્સી કારના શોખીન ડેનિયલ સિક્વેરાએ જણાવ્યું હતું કે આ મજબૂત ટેક્સીઓ પાંચ દાયકાથી વધુ સમયથી શહેરના લેન્ડસ્કેપનો એક ભાગ છે અને ઘણી પેઢીઓથી તેમની સાથે ભાવનાત્મક જોડાણ છે.
મુંબઈની છેલ્લી રજિસ્ટર્ડ પ્રીમિયર પદ્મિની ટેક્સી (MH-01-JA-2556)ના માલિક પ્રભાદેવીએ કહ્યું કે, આ મુંબઈની શાન અને અમારી જાન છે. કેટલાક લોકોએ એવી માંગ કરી છે કે ઓછામાં ઓછી એક પ્રીમિયર પદ્મિનીને રસ્તા પર અથવા મ્યુઝિયમમાં સાચવવામાં આવે. થોડાં વર્ષો પહેલા મુંબઈ ટેક્સીમેન્સ યુનિયન, જે શહેરના સૌથી મોટા ટેક્સી ડ્રાઈવર્સ યુનિયન છે તેણે સરકારને ઓછામાં ઓછી એક કાળી અને પીળી ટેક્સી સાચવવા માટે અરજી કરી હતી. પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
1964માં ફિયાટ-1100 ડિલાઇટ મોડલથી સફર શરૂ થઈ
પરેલના રહેવાસી અને કલા પ્રેમી પ્રદીપ પાલવે જણાવ્યું કે આજકાલ મુંબઈમાં પ્રીમિયર પદ્મિની ટેક્સીઓ માત્ર દિવાલો પરની ગ્રેફિટીમાં જ જોઈ શકાય છે. જો કે તે ધીરે ધીરે અદૃશ્ય થઈ ગઇ છે પરંતુ તેણે લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. મુંબઈ ટેક્સીમેન્સ યુનિયનના જનરલ સેક્રેટરી એ એલ ક્વાડ્રોસે યાદ કર્યું કે ટેક્સી તરીકે પ્રીમિયર પદ્મિનીની સફર 1964માં ફિયાટ-1100 ડિલાઇટ મોડલથી શરૂ થઈ હતી.
આ પણ વાંચો, દિલ્હીમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, હવાની ગુણવત્તા દિન-પ્રતિદિન નબળી થઈ