ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નોટબંધીને સાત વર્ષ પૂરા થતા કોંગ્રેસે કેન્દ્રને ઘેર્યું, અર્થવ્યવસ્થા પાછળ ધકેલવાનો કર્યો આક્ષેપ

નવી દિલ્હી: નોટબંધીને સાત વર્ષ પૂરા થતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે, ભારતીયો હજુ પણ નોટબંધીનો ઘા સહન કરી રહ્યા છે. આ પગલાંને કારણે નાના ધંધા ઠપ થયા અને લોકોએ નોકરી ગુમાવવી પડી છે. ખડગેએ કહ્યું કે, નોટબંધીને કારણે કરોડો લોકોને પોતાના પૈસાની રાહ જોતા લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. કેન્દ્ર પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે, 86.4% નોટોને ડિમોનેટાઇઝ કર્યા વિના આપણે કેમ કેશલેસ ઇકોનોમી ન બની શકીએ.

રાહુલ ગાંધીએ નોટબંધીને સામાન્ય લોકો પર હુમલો ગણાવ્યો

બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ 2016માં કેન્દ્રના નોટબંધીના નિર્ણયની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, આ 1% મૂડીવાદીઓને ફાયદો કરાવવા માટે 99 % સામાન્ય ભારતીયો પર હુમલો છે. રાહુલ ગાંધીએ નોટબંધીના પગલાંને રોજગાર ખતમ કરવા, કામદારોની આવક રોકવા, નાના ઉદ્યોગોને નષ્ટ કરવા, ખેડૂતોને પાયમાલ કરવા અને અસંગઠિત અર્થવ્યવસ્થાને તોડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ પ્રહાર કર્યા

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આક્ષેપ કર્યો કે નોટબંધીએ ભારતીય અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. ડિમોનેટાઇઝેશન ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યું હતું. GSTએ ભારતના રોજગાર સર્જન કરનારા નાના અને મધ્યમ ઉદ્યોગોને પાયમાલ કરી નાખ્યા. 45 વર્ષમાં બેરોજગારી તેની ટોચ પર પહોંચી અને 2013માં શરૂ થયેલી આર્થિક સુધારણાનો અંત આવ્યો.

બીજી તરફ, 8 નવેમ્બર 2023ના રોજ મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજના દિવસે ભ્રષ્ટાચાર પર રોક લગાવવામાં આવી હતી. ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

2016માં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી

8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 500 અને 1000 રૂપિયાની નોટ હવે 12 મધ્યરાત્રિથી ચલણમાં રહેશે નહીં. તેમણે આ નોટો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ પછી લોકો 500-1000 રૂપિયાની નોટો જમા કરાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા જોવા મળ્યા હતા. સરકારે કહ્યું કે, આ કાળાં નાણાંને ખતમ કરવાનું પગલું છે. ડિમોનેટાઈઝેશનને કારણે લોકોનું પેમેન્ટ મોડ કેશમાંથી ડિજીટલમાં બદલાઈ જશે. જોકે,  કોંગ્રેસે આ પગલાંની ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે આના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થશે.

આ પણ વાંચો: નોટબંધીના 5 મોટા કારણો, આ કારણોસર બંધ થઈ 500 અને 1000 રૂપિયાની નોટ

 

Back to top button