RBIની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટયો
- નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત બાદ શેરબજાર પર તેની માઠી અસર
- શરૂઆતના તબક્કામાં તેજી બાદ ખરાબ રીતે લપસતા લાલ નિશાનમાં થયું ટ્રેડિંગ
મુંબઈ, 8 ફેબ્રુઆરી: ભારતીય રિસર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત બાદ શેરબજાર પર તેની માઠી અસર જોવા મળી હતી. શેરબજારમાં સવારે 11 વાગ્યા સુધી શરૂઆતી તેજી બાદ ખરાબ રીતે લપસતા લાલ નિશાનમાં ટ્રેડિંગ થયું હતું. જેને પગલે BSE સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે NSE નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ MPC મીટિંગનાં પરિણામો જાહેર કર્યા છે અને આ વખતે પણ પોલિસી રેટ (રેપોરેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. સામાન્ય લોકોની જેમ ભારતીય શેરબજારની નજર પણ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર ટકેલી હતી. પરંતુ, તેણે રેપોરેટમાં કોઈપણ ફેરફારને નકારી કાઢતાં જ બજાર ઝડપથી લપસી ગયું હતું. નોંધનીય છે કે, સેન્સેક્સ અને નિફ્ટીએ આજે લીલા નિશાન પર શરૂઆત કરી હતી.
શરૂઆતી તેજીથી સેન્સેક્સમાં થયો ઘટાડો
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારના બંને સૂચકાંકો(SENSEX-NIFTY) લીલા નિશાન પર ખુલ્યા હતા. એક તરફ, BSE સેન્સેક્સ 209.53 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 72,361.53 પર ખુલ્યો હતો અને MPC પરિણામો પહેલા 300 પોઈન્ટથી વધુનો વધારો નોંધાયો હતો. જો કે, RBI ગવર્નર દ્વારા મીટિંગમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત બાદ, તેમાં ઘટાડો થયો હતો અને તે સવારે 11.15 વાગ્યે 694.05 પોઈન્ટ ઘટીને 71,457 પર ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો
સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ આરબીઆઈની જાહેરાત બાદ અચાનક લીલાથી લાલ નિશાન પર સરકી ગઈ હતી. શેરબજારની શરૂઆતી તબક્કામાં નિફ્ટી 60.30 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 21,990.80 પર ખૂલી હતી. પરંતુ RBIની જાહેરાત બાદ તેમાં ઘટાડો થયો હતો અને તે 192.40 પોઈન્ટના ઘટાડા બાદ 21,738.45 પર ટ્રેડ કરી રહી હતી.
SBIએ ઘટતા માર્કેટમાં મોટી છલાંગ લગાવી
શેરબજારમાં ભલે મોટો ઘટાડો જોવા મળ્યો, પરંતુ આ દરમિયાન PSU શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેર રોકેટની ઝડપે દોડતા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ગયા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 3.78 ટકાના વધારા સાથે રૂ. 700.80 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં તે 5 ટકાથી વધુના ઉછાળા સાથે રૂ. 718.90ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શેરોમાં આ વધારાને કારણે દેશની સૌથી મોટી સરકારી બેંકનું માર્કેટ કેપ પણ 6.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
કયા PSU શેરોમાં જોરદાર ઉછાળો ?
માત્ર SBI જ નહીં અન્ય PSU શેરોમાં પણ તેજી જોવા મળી છે. દેશની સૌથી મોટી વીમા કંપની LIC (LIC Share)ના શેર સૌથી ઝડપી ગતિએ વધી રહ્યા છે. તેની કિંમત 8.19 ટકાના ઉછાળા સાથે 1130 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. આ સાથે પાવર ગ્રીડ શેર (Power Grid Share) 5 ટકા વધીને રૂ. 280 થયો હતો, જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL શેર)નો શેર 2.75 ટકા વધીને રૂ. 3,030.85 પર પહોંચ્યો હતો.
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Ltd)ના શેરમાં પણ વધારો થયો હતો અને તે 2.41 ટકાના વધારા સાથે રૂ. 616.55 પર ટ્રેડ કરી રહ્યો હતો.
કયા શેરોના કારણે રોકાણકારોને નુકસાન થયું ?
ગુરુવારે શરૂઆતી ઉછાળા બાદ, શેરબજારમાં જે શેરોએ પોતાના રોકાણકારોને નુકસાન કરાવ્યું તેમ Paytm શેર(Paytm Share) પ્રથમ સ્થાને હતો. Paytmની પેરેન્ટ કંપની One97 Communicationનો શેર 6.66 ટકા ઘટીને રૂ. 464 થયો હતો. આ સિવાય ઈન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank)ના શેરનો સમાવેશ થાય છે, જે 6.65 ટકા ઘટીને 74.35 રૂપિયા થઈ ગયો હતો. જ્યારે મુથુટ ફાઇનાન્સ શેર(Muthoot Finance Share) 3.55 ટકાના ઘટાડા સાથે રૂ. 1374 પર ટ્રેડ કરી રહ્યો હતો.
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ (Britannia Industries)નો શેર 3.31 ટકા ઘટીને રૂ. 4,912 પર સેટલ થયો હતો, જ્યારે ITC લિમિટેડ(ITC Ltd)નો શેર 1.90 ટકા ઘટીને રૂ. 423.60 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ જુઓ: RBI મોનિટરી પોલિસી: રેપોરેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો