કમૂરતા ઉતર્યા, લગ્નસરા શરૂઃ હવે છ મહિનામાં 51 લગ્નમૂહર્ત
ધાર્મિક રીતે ભારે મહાત્મય ધરાવતું મકરસંક્રાતિનું પર્વ દાન-સેવા, પુણ્યકાર્યોની સાથે સાથે પતંગ-ફીરકી, ઉંધિયુ-જલેબી સાથે ઉજવાયું. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થવાની સાથે જ ધનારક કમૂરતા પૂર્ણ થયા છે. 14 જાન્યુઆરીના દિવસે શુક્રવારે મોડી સાંજે 8.46 વાગ્યે સૂર્યદેવે મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. કમૂરતા પૂરા થવાની સાથે જ હવે લગ્નસરાની સીઝન શરૂ થઇ છે. હવે લગ્નકાર્યોની ધૂમ જોવા મળશે. જેમાં આગામી 6 મહિનામાં 51 લગ્નમૂહર્ત સાથે ઠેરઠેર લગ્નની શહેનાઇઓ ગૂંજશે.
સૂર્યના ધન રાશિમાં ભ્રમણની સાથે જ ધનારક શરૂ થયા હોઇ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. શનિવારે સાંજે કમૂરતા પૂરા થયા છે, પરંતુ ગ્રહોના સંયોગને કારણે 17 જાન્યુઆરીએ પહેલું લગ્નમૂહર્ત છે. ત્યાર બાદ જૂનમાં પૂરા થતા લગ્નસરા સુધીમાં 51 મૂહર્ત રહેશે.
ક્યારે લગ્નો લેવાતા નથી?
કમૂરતા ઉતર્યા બાદ પણ ગુરુના અસ્ત, હોળાષ્ટક અને મિનારક જેવી સ્થિતિમાં લગ્નો લેવાતા નથી. માર્ચ માસમાં મિનારક છે. એપ્રિલમાં ગુરુનો અસ્ત છે. 14 માર્ચના મંગળવારથી 14 એપ્રિલના શુક્રવાર સુધી મિનારક છે. 1 એપ્રિલ શનિવારથી 28 એપ્રિલ શુક્રવાર સુધી ગુરુદેવનો અસ્ત છે. 26 ફેબ્રુઆરી રવિવારથી 6 માર્ચના સોમવાર સુધી હોળાષ્ટક રહેશે.
હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગુરુ અને શુક્રનો અસ્ત થાય તે બન્ને યોગ દરમિયાન સામાન્યપણે લગ્નો લેવાતા નથી. સૂર્યદેવનું મીન રાશિમાં ભ્રમણ હોય ત્યારે મિનારક અને ધન રાશિમાં પ્રવેશ વેળાએ ધનારક કહેવામાં આવે છે. મિનારક અને ધનારક બન્ને સ્થિતિને કમૂરતા ગણવામાં આવતા હોઇ લગ્નમૂહર્ત લેવાતા નથી. 17 જાન્યુઆરીથી લગ્નમૂહર્તની સાથે જ આગામી દિવસોમાં મોટા ભાગના પાર્ટીપ્લોટ, વાડી, હોલના એડવાન્સ બુકીંગ થઇ ગયા છે.
જાન્યુઆરીમાં 7, ફેબ્રુઆરીમાં 9, મેમાં 18 અને જૂનમાં 11 મુહૂર્ત
લગ્નસરાની બાકી રહેલી સિઝનમાં જાન્યુઆરી માસમાં 7, ફેબ્રુઆરી માસમાં 9, માર્ચમાં 6, મેમાં 18 અને જૂનમાં 11 મૂહર્ત છે. 29 જૂનના રોજ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની સિઝન પૂર્ણ થશે. ત્યાર બાદ ચાર માસના હિન્દુ ચાતુર્માસ પછી દેવઉઠી એકાદશીએ ફરીવાર નવી સિઝન શરૂ થશે. હાલમાં જાન્યુઆરી માસમાં 17, 18, 25, 26, 27, 28, 31 જ્યારે ફેબ્રુઆરીમાં 1, 6, 7, 10, 11,14, 16, 22, 23 ના રોજ, માર્ચ મહિનામાં 8, 9, 10, 11, 13, 14ના રોજ, મે મહિનામાં 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12,15, 16,21,22, 27,29, 30 અને 31 તારીખના રોજ, જૂન મહિનામાં 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27 અને 28 જૂનના રોજ મૂહર્ત છે. 29 જૂનના રોજ દેવપોઢી એકાદશી સાથે લગ્નસરા પૂર્ણ થશે.
આ પણ વાંચોઃ IPL 2023 : મેન્સના મીડિયા રાઈટ્સ બાદ વુમન્સના IPLના રાઈટ્સ વેંચી BCCI બન્યુ માલામાલ