ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની અરુણાચલની મુલાકાત બાદ ચીન બોખલાયું, પ્રદેશના 30 સ્થળોનાં નામ બદલ્યાં

નવી દિલ્હી, 01 એપ્રિલ: અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ કરી છે. ચીને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોને પોતાનું હોવાનો દાવો કરીને તેના ચીની નામો રાખ્યા છે. ચીન પહેલેથી જ દાવો કરી રહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ તેનો હિસ્સો છે જેના પર ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપતાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. ભારત સતત ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, તેમ છતાં ચીન પોતાના પગલાથી પીછેહઠ કરી રહ્યું નથી.

ચીને અરુણાચલના 30 સ્થળોનાં નામ બદલ્યાં

ચીને અરુણાચલ પ્રદેશને પોતાનું ગણાવીને તેનું નામ જીજાંગ રાખ્યું છે. પરંતુ હવે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, માહિતી સામે આવી છે કે ચીની નાગરિક બાબતોના મંત્રાલયે શનિવારે અરુણાચલ પ્રદેશમાં 30 વધુ સ્થળોનાં નામ બદલી નાખ્યા છે, જેને તે જાંગનાન અથવા તિબેટનો ભાગ કહે છે. જેમાં 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ અને એક ખાલી જમીન છે. જો કે જે જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે તેના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ વિસ્તારોના નામ ચાઈનીઝ અક્ષરો, તિબેટીયન લિપિમાં લખવામાં આવ્યા છે.

પીએમની મુલાકાત બાદ ચીન બોખલાયું

થોડા દિવસ પહેલાં પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું, જેના કારણે ચીન બોખલાઈ ગયું છે. પીએમની મુલાકાત પછી, ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ ઝાંગ શિયાઓગાંગે 15 માર્ચે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે ભારતીય નેતાઓની અરુણાચલની મુલાકાતનો વિરોધ કરે છે. ચીને કહ્યું હતું કે જીજાંગ (અરુણાચલ પ્રદેશનું ચીની નામ) ચીનનો એક ભાગ છે અને ચીન ભારતના કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકારશે નહીં અને તેનો સખત વિરોધ કરશે.

જેનો જવાબ વિદેશ મંત્રીએ આપ્યો હતો

જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે ચીનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, ભારતે ચીનના આવા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરતા સતત નિવેદનો પર ટિપ્પણી કરી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બેઇજિંગ તેના વાહિયાત દાવાઓનું કેટલી વાર પુનરાવર્તન કરે, પરંતુ અમારું વલણ બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને હંમેશા રહેશે.

આ પણ વાંચો: એસ. જયશંકરની મુલાકાત બાદ આ દેશે ચીનને આપી ધમકી, “અમે ઝૂકીશું નહીં”

Back to top button