વડાપ્રધાન મોદી બાદ શાહ પણ પહોંચી શકે છે મોરબી, આજે પીએમની અધિકારીઓ સાથે મહત્વની બેઠક
મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 140 થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે અને બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં વડાપ્રધાન મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ વચ્ચે આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ મોરબી પહોંચશે.
એક માહિતી અનુસાર અમિત શાહ આવતીકાલે સાંજે ગુજરાત પહોંચશે અને ત્યાર બાદ મોરબીમાં મૃતકોના સ્વજનો સાથે તેમજ ઘટના સ્થળની પરિસ્થિતિ અંગે તપાસ અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પણ મુલાકત લેશે.
આ પણ વાંચો : મોરબી પુલ દુર્ઘટનાઃ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ, જ્યૂડિશિયલ કમિશન બનાવવાની માગ
બીજી તરફ આજે વડાપ્રધાન મોદી મોરબીમાં ત્રણ કલાક રોકાશે. આ દરમ્યાન મોરબી SP ઓફિસે મહત્વની બેઠક પણ કરવાના છે. જેમાં તેઓ તપાસ અધિકારીઓને તપાસની કામગીરી અંગે નિરિક્ષણ કરશે. આ સાથે જ બચાવ કામગીરીની સ્થિતિ અંગે પણ વડાપ્રધાન મોદી નિરિક્ષણ કરશે.
આ તરફ રાજ્યમાં 2જી નવેમ્બરના રાજ્ય સરકાર તરફથી રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે. જેમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાઈ શકે છે. તેમજ તેના સંદર્ભે રાજ્યમાં ઠેર-ઠેર પ્રાર્થના સભાઓનું રાજ્ય સરકાર અને ભાજપનું સંગઠન આયોજન કરશે. રાજ્યભરમાં આ મામલે શોકની લહેર જોવા મળી શકે છે.
આ પણ વાંચો : રાજ્યમાં ચૂંટણી જાહેરાતમાં થઈ શકે છે વિલંબ, શું છે મુખ્ય કારણ ?