ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

જેલમાં બંધ ચૈતર વસાવાને મળ્યા બાદ કેજરીવાલે કહ્યું, જામીન માટે સુપ્રીમ સુધી લડીશું

Text To Speech

રાજપીપળા, 8 જાન્યુઆરી 2024, વનકર્મીઓને માર મારવાના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા માટે દિલ્હી અને પંજાબના સીએમ ગુજરાત આવ્યાં છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે વડોદરાથી રાજપીપળા જેલ પહોંચ્યા હતા અને જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ કેજરીવાલે ભાજપ સરકારે ચૈતર વસાવાને ખોટા અને નકલી કેસમાં પકડ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.

સરકાર જનતા માટે લડનારને જેલમાં નાંખી દે છેઃ ભગવંત માન
કેજરીવાલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ચૈતર વસાવાને ભાજપ સરકારે જુઠા અને નકલી કેસમાં પકડ્યા છે. તેને કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચૈતર વસાવાના પત્નિ શકુંતલા બેનને પણ ખોટી રીતે ફસાવ્યા છે. ચૈતર વસાવા જનતા માટે લડે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે, એટલે તેમને જેલમાં નાંખી દીધા છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, આ સરકાર જે લોકો જનતા માટે લડે છે તેમને જેલમાં નાંખી દે છે. ગઈકાલની રેલીમાં જે રીતે રોષ દેખાતો હતો તેનાથી લાગે છે ચૈતર વસાવાની ધરપકડને આદિવાસી સમાજ પોતાનું અપમાન સમજે છે.

ભરૂચ બેઠકથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે
અરવિંદ કેજરીવાલે રવિવારે નેત્રંગની સભા દરમિયાન કહ્યું હતું કે, હું જાહેરાત કરવા માગું છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, ભાજપ ચૈતર વસાવાને લાંબો સમય જેલમાં રાખી શકશે નહીં. રેલીમાં એવા સૂત્રોચ્ચાર પણ કરાવ્યા કે, તાળા તૂટશે, ચૈતર છૂટશે. કેજરીવાલનું કહેવું છે કે, ભાજપ સમન્સના બહાને રાજકીય બદલો લઈ રહી છે અને વિપક્ષી નેતાઓને હેરાન કરવા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી શરૂ થશે, સરકારનો પરિપત્ર

 

Back to top button