મહારાષ્ટ્રની ‘અસલી’ લડાઈ હારી ગયા બાદ હવે ઉદ્ધવ જૂથ પાસે શું વિકલ્પ?
- શિવસેના-યુબીટી કાર્યકરો વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય સામે વિરોધ કરી રહ્યા છે. જેના કારણે પાર્ટી કાર્યાલયની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી
મુંબઈ (મહારાષ્ટ્ર), 10 જાન્યુઆરી: મહારાષ્ટ્રમાં અસલી શિવસેના પર દાવો કરવા માટે દોઢ વર્ષ લાંબી લડાઈમાં બુધવારે એક મોટો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નરવેકરે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસ પર ચુકાદો આપતા એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના ગણાવી છે. મળતી માહિતી મુજબ સ્પીકર રાહુલ નાર્વેકરે 1200 પેજનો ચુકાદો તૈયાર કર્યો હતો. સ્પીકરે લગભગ પાંચ વાગ્યા પછી તેમનો ચુકાદો વાંચવાનું શરૂ કર્યું હતું અને અંતે ઠરાવ્યું કે, શિંદે જૂથની શિવસેના જ અસલી શિવસેના છે. આમ મહારાષ્ટ્રમાં શિવસેનાની ખેંચતાણમાં શિંદે જૂથનો વિજય થયો છે અને ઉદ્ધવ ઠાકરે જૂથને હારનો સામનો કરવો પડ્યો છે.
સ્પીકરની ઘોષણા સાથે, સીએમ શિંદે સહિત 16 ધારાસભ્યો પર લટકતી ગેરલાયકાતની તલવાર હવે દૂર થઈ ગઈ છે. આ નિર્ણય બાદ મુંબઈથી નાસિક સુધી શિંદે જૂથના સમર્થકો ઉજવણી કરી રહ્યા છે, તો હવે સવાલ એ છે કે શિવસેના-યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે પાસે કયા વિકલ્પો છે?
ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ
વિધાનસભા અધ્યક્ષના નિર્ણય બાદ પૂર્વ મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે આ મામલે કાનૂની લડાઈ લડશે અને કોર્ટના દરવાજા ખખડાવશે. તે જ સમયે, શિવસેના-યુબીટી રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સ્પીકરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે અને ભાજપ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે. આ પહેલા ચૂંટણી પંચે પણ શિંદે જૂથના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, જેથી હવે ઠાકરે પરિવાર પાસે માત્ર કોર્ટમાં જ જવાનો વિકલ્પ બચ્યો છે.
બંને પક્ષોએ ક્રોસ પિટિશન દાખલ કરી હતી
2022માં શિવસેનામાં બળવો થયા બાદ એકનાથ શિંદેએ અલગ પાર્ટી બનાવી અને બીજેપીના સમર્થનમાં ઉભા થયા જેના કારણે મહાવિકાસ અઘાડીની સરકાર પડી ભાંગી હતી તો બીજી તરફ યુનાઈટેડ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વ્હીપ જારી કરીને શિંદે જૂથના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આજે સ્પીકરે પણ આ વ્હીપને ગેરકાયદે જાહેર કર્યો છે. ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથે એકબીજા વિરુદ્ધ અરજીઓ કરી હતી. જેના પર રાહુલ નાર્વેકરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચુકાદો આપ્યો છે.
શિવસેના-યુબીટી કાર્યાલયની બહાર કડક સુરક્ષા
બીજી બાજુ, જ્યારે શિંદે જૂથ રાજ્યભરમાં ઉજવણીમાં ડૂબી ગયો છે, ત્યારે ઠાકરે જૂથની પાર્ટી શિવસેના-યુબીટીની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. પાર્ટીના કાર્યકરો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે જ્યારે પોલીસના ઘણા વાહનો પણ હાજર છે.
આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રમાં શિંદે જૂથ જ અસલી શિવસેના, ઉદ્ધવ જૂથને ફટકો