238 વખત હાર્યા બાદ ફરી ચૂંટણી લડવા તૈયાર છે આ વ્યક્તિ, લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં નોંધાયું નામ
ચેન્નઈ (તમિલનાડુ), 28 માર્ચ: તમિલનાડુના પદ્મરાજન 238 વખત ચૂંટણી હાર્યા હોવા છતાં ફરી એકવાર આગામી લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી ગયા છે. 65 વર્ષીય ટાયર રિપેર શોપના માલિકે 1988માં તમિલનાડુમાં તેમના વતન મેટ્ટુરથી ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમણે કહ્યું કે તે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે લોકો તેમની મશ્કરી કરવા લાગ્યા પરંતુ તે બધાને સાબિત કરવા માંગતા હતા કે એક સામાન્ય માણસ પણ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે.
રાષ્ટ્રપતિથી લઈને સ્થાનિક ચૂંટણીમાં લીધો ભાગ
પદ્મરાજને કહ્યું, તમામ ઉમેદવારો માત્ર ચૂંટણીમાં જીતવા માંગે છે પરંતુ મારી સાથે એવું નથી. તેઓ માત્ર ચૂંટણીમાં ભાગ લઈને ખુશ છે અને જીતે કે હારે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે તે હારીને પણ ખુશ છે. આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં, તે તમિલનાડુના ધર્મપુરી જિલ્લાની સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પદ્મરાજન ‘ઇલેક્શન કિંગ’ તરીકે જાણીતા છે, તેમણે દેશભરમાં યોજાયેલી તમામ રાષ્ટ્રપતિથી લઈને સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાગ લીધો છે. આટલા વર્ષોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સામે ચૂંટણી હારી ગયા છે.
પદ્મરાજને કહ્યું, જીતવું એ બીજી વાત છે. મને એનાથી કોઈ ફરક નથી પડતો કે, હું ચૂંટણીમાં કોના વિરુદ્ધ ઊભો છું. જો કે, ચૂંટણી લડવી તેમના માટે બિલકુલ આસાન રહી નથી. તેમણે છેલ્લા ત્રીસ દાયકામાં ચૂંટણી પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે. આમાં તેમના તાજેતરના નોમિનેશન માટે રૂ. 25,000ની સિક્યોરિટી ડિપોઝિટનો સમાવેશ થાય છે.
લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં નામ નોંધાયેલ છે
આ બધાની વચ્ચે તેમની એક જીત એ રહી છે કે તેમણે ભારતના સૌથી અસફળ ઉમેદવાર તરીકે લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. પદ્મરાજનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2011માં હતું, જ્યારે તેઓ મેટ્ટુરમાં વિધાનસભા ચૂંટણીમાં ઉભા હતા. તેમને આ ચૂંટણીમાં 6,273 વોટ મળ્યા જ્યારે અંતિમ વિજેતાને 75,000થી વધુ વોટ મળ્યા. તેમણે કહ્યું કે, મને એક પણ વોટની આશા નહોતી પરંતુ તેમ છતાં લોકોએ મને મત આપ્યો અને મને સ્વીકાર્યો. મહત્ત્વનું છે કે, તેમની ટાયર રિપેરિંગની દુકાનની સાથે તેઓ સ્થાનિક મીડિયામાં એડિટર તરીકે પણ કામ કરે છે અને હોમિયોપેથિક સારવાર પણ આપે છે. પરંતુ તેમના તમામ કાર્યો વચ્ચે તેમનું સૌથી મહત્વનું કામ ચૂંટણી લડવાનું રહ્યું છે.
હું અંતિમ શ્વાસ સુધી ચૂંટણી લડતો રહીશ: પદ્મરાજન
પદ્મરાજન તેમની દરેક અસફળ ચૂંટણી માટે તેમના નામાંકન પત્રો અને ઓળખ કાર્ડનો વિગતવાર રેકોર્ડ રાખે છે. એટલું જ નહીં, તેઓ તેમને સુરક્ષિત રાખવા માટે લેમિનેશન પણ કરાવે છે. લોકો એક સમયે ચૂંટણી લડવા માટે પદ્મરાજનની મજાક ઉડાવતા હતા પરંતુ હવે તેમને વિદ્યાર્થીઓને સંબોધવા અને હાર કેવી રીતે દૂર કરવી તે વિશે વાત કરવા માટે બોલાવવામાં આવે છે. તેમણે કહ્યું, હું જીતવા વિશે નથી વિચારતો – હારવું એ શ્રેષ્ઠ છે. જો આપણે આ વાત આપણા મનમાં રાખીએ તો આપણને કોઈપણ પ્રકારનો તણાવ નથી રહેતો. પદ્મરાજને કહ્યું કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી ચૂંટણી લડતા રહેશે પરંતુ જો તેઓ કોઈપણ ચૂંટણી જીતશે તો તેમને આશ્ચર્ય થશે.
આ પણ વાંચો: ભાજપમાંથી ટિકિટ મળતાં ભાવુક બન્યા નેતા, ચૂંટણી ચિન્હ સામે દંડવત કર્યા, જૂઓ વીડિયો