IPLમાં 2 મેચ હારતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ વિશે અફવાઓ શરૂ, સત્યતા કેટલી?
- 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLની શરૂઆત કંઈ ખાસ રહી નહીં
HD ન્યૂઝ ડેસ્ક, 28 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. જો તેને ખરાબ કહેવામાં આવે તો પણ તે મોટી વાત નથી. MI ટીમ સતત બે મેચ હારી છે અને તેની સાથે જ અફવાઓનો દૌર પણ શરૂ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીમ હાલમાં બે ગ્રુપમાં વહેંચાયેલી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPLની પ્રથમ બે મેચ કેમ હારી, સોશિયલ મીડિયા પર ભારે નફરત ફેલાવવામાં આવી રહી છે. રોહિત અને હાર્દિકના પણ બે ગ્રુપો બની ગયા છે.
Who made you fall in love with Mumbai Indians 💙. pic.twitter.com/opdlQMVU2Z
— MI Fans Army™ (@MIFansArmy) March 28, 2024
રોહિતે પોતાની કેપ્ટનશીપમાં મુંબઈને 5 વખત ચેમ્પિયન બનાવ્યું
હકીકતમાં, રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હતો. આ દરમિયાન તેણે ટીમને 5 વખત ચેમ્પિયન પણ બનાવ્યું. જો કે જો કોઈ ટીમ જીતે તો તેનો શ્રેય આખી ટીમને જાય છે, પરંતુ કેપ્ટનની ભૂમિકા વધુ મહત્ત્વની હોય છે, તેથી તેનું નામ લેવામાં આવે છે. 2023ની IPL અને તે પછી પણ બધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક તોફાન ત્યારે આવ્યું જ્યારે હાર્દિક પંડ્યા તેની જૂની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને કેપ્ટન પણ બન્યો. હાર્દિક પંડયાનું ઘર IPLમાં મુંબઈની ટીમ છે, કારણ કે તેના માટે જ તેની પહેલી પસંદગી કરવામાં આવી હતી અને તે પછી તે ભારતીય ટીમમાં પણ પહોંચ્યો હતો. 2022ની IPL પહેલા પંડ્યા ઈજા પહોંચી હતી. IPL 2022 માટે મેગા ઓક્શન યોજવાનું હતું.
મુંબઈએ મેગા ઓક્શન પહેલા હાર્દિકને મુક્ત કરી દીધો
IPLના નિયમો અનુસાર, મેગા ઓક્શન પહેલા ટીમો માત્ર ચાર ખેલાડીઓને જ રિટેન કરી શકે છે. જેના માટે ટીમોએ સખત મહેનત કરવી પડે છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો એટલે કે મોટા ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનને છૂટા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, હરાજી પહેલા જ હાર્દિક પંડ્યા IPLની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાઇને કેપ્ટન બની ગયો હતો, જ્યારે ઇશાન કિશનને ફરીથી મુંબઇએ મોંઘા ભાવે ખરીદ્યો હતો.
હાર્દિકે બે વર્ષ સુધી ગુજરાતની કેપ્ટનશિપ સંભાળી
લગભગ બે વર્ષ સુધી આ જ સ્ટોરી ચાલતી રહી. એટલે કે 2022 અને 2023માં રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહ્યો, જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન રહ્યો હતો. આ બે વર્ષમાં ઘણું બદલાઈ ગયું. જ્યાં એક તરફ હાર્દિક પંડ્યાએ વર્ષ 2022માં GTને પ્રથમ વખત IPL ચેમ્પિયન બનાવ્યું , તો બીજી તરફ વર્ષ 2023માં તેઓ ફાઇનલમાં પહોંચ્યા. આ સમયગાળા દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ થતું રહ્યું. IPL 2022માં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દસ ટીમોની આ ટુર્નામેન્ટમાં દસમા સ્થાને આવી. વર્ષ 2023માં ટીમે ટોપ 4માં પોતાનું સ્થાન બનાવ્યું, પરંતુ ફાઇનલમાં પહોંચી શકી નહીં.
વર્ષ 2024માં કેવી રીતે બદલાઈ આવી તમામ બાબતો?
આ પછી વસ્તુઓ બદલાવા લાગી અને અચાનક સમાચાર આવ્યા કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફરી રહ્યો છે અને એ પણ કેપ્ટન તરીકે. જ્યારે રોહિત શર્મા ટીમ સાથે જોડાયેલા રહેશે, પરંતુ તે માત્ર એક ખેલાડી તરીકે રમશે. આ દરમિયાન અફવાઓનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો. એવું કહેવામાં આવ્યું કે, રોહિત શર્મા આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છે અને તે કદાચ બીજી કોઈ ટીમ સાથે જોડાઈ જાય, પરંતુ એવું કશું થયું નહીં. રોહિત શર્મા હજુ પણ એ જ ટીમ તરફથી રમી રહ્યો છે અને ઓપનિંગ કરી રહ્યો છે. હવે જ્યારે આ વર્ષની આઈપીએલમાં ટીમ બે મેચ હારી ગઈ છે ત્યારે ફરી અફવાઓનો દૌર શરૂ થઈ ગયો છે.
સોશિયલ મીડિયા પર અત્યારે કેવી-કેવી અફવાઓ ચાલી રહી છે?
સોશિયલ મીડિયા પર અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં બે ગ્રુપમાં વહેંચાયેલી છે. એકમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્મા છે, જ્યારે બીજામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન છે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ પણ છે, પરંતુ તે હજુ ટીમ સાથે જોડાયેલા નથી, તે પણ રોહિત શર્માના ગ્રુપમાં હોવાનું કહેવાય છે. જો કે આ પ્રકારના સમાચાર પહેલા પણ આવતા હતા પરંતુ સતત બે હાર બાદ તેનું મહત્ત્વ વધી ગયું છે. જો કે આ અંગે રોહિત શર્માથી લઈને હાર્દિક પંડ્યા તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. ઉપરાંત, જ્યારે આ ખેલાડીઓ મેદાનમાં પ્રવેશે છે, ત્યારે તેઓ એકબીજા સાથે સંપૂર્ણ સહકાર સાથે મેચ રમે છે. રમતગમતમાં તો હંમેશા જીત અને હાર થાય છે, એક ટીમ જીતે છે અને બીજી હારે છે. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ જવી અને હાર્દિક પંડયાને નવો કેપ્ટન બનાવવાની વાતને ચાહકોએ દિલ પર લઈ લીધી છે. ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સે આવી અફવાઓનો અંત લાવવો પડશે, નહીં તો ઘણું મોડું થઈ જશે.
આ પણ જુઓ: હાર્દિક પંડ્યાના નામે શરમજનક રેકોર્ડ, ચાહકોને યાદ આવી 2008ની IPL સિઝન