દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ, હકુભા જાડેજા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત અનેક દિગ્ગજોના પત્તા કપાયાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા લંબાણપૂર્વકની મંત્રણાઓ અને મંથન-મહામંથન બાદ આજે સવારે પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરી છે. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, તો કેટલાંક ઉમેદવારો પણ રીપીટ કરવામાં આવ્યા છે. યુવા-મહિલાઓ તથા જ્ઞાતિ ફેક્ટરને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. ભાજપની આ યાદી તપાસતાં ઘણાં દાવેદારોના પત્તા પણ કાપી નાખવામાં આવ્યા છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, જશા બારડ, આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, મધુ શ્રીવાસ્તવ, હકુભા જાડેજા, જગદીશ પટેલ સહિતના લોકોને ટિકિટ આપવામાં આવી નથી.
કયા નેતાઓના પત્તા કપાયાં
માંડવીથી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજથી ડૉ.નિમાબેન આચાર્ય, અંજારથી વાસણભાઈ આહિર, રાપરથી પંકજભાઈ મહેતા, વાવથી શંકર ચૌધરી, થરાદથી પરબતભાઈ પટેલ, ધાનેરાથી માવજી દેસાઈ, દાંતાથી માલજીભાઈ કોદાવરી, વડગામથી વિજયકુમાર ચક્રવર્તી, પાલનપુરથી લાલજીભાઈ પ્રજાપતિ, ડીસાથી શશિકાંત પંડયા, સિદ્ધપુરથી જયનારાયણ વ્યાસ, ઊંઝાથી નારાયણભાઈ પટેલ, બેચરાજીથી રજનીકાંત પટેલ, કડીથી પુંજાભાઈ સોલંકી, મહેસાણાથી નીતિન પટેલ, ઈડરથી હિતુ કનોડિયા, ખેડબ્રહ્માથી રમીલાબેન બારા, વિરમગામથી ડૉ. તેજશ્રીબેન પટેલ, વેજલપુરથી કિશોરભાઈ ચૌહાણ, એલિસબ્રીજથી રાકેશ પટેલ, નારણપુરાથી કૌશિક પટેલ, નરોડાથી બલરામ થાવાણી, ઠક્કર બાપાનગરથી વલ્લભ કાકડિયા, બાપુનગરથી જાગ્રુપસિંહ રાજપૂત, દરિયાપુરથી ભરત બરાટ, મણીનગરથી સુરેશ પટેલ, દાણીલીમડાથી જીતુ વાઘેલા, સાબરમતીથી અરવિંદકુમાર પટેલ, અસારવાથી પ્રદિપભાઈ પરમાર, ધોળકાથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દસાડાથી રમણલાલ વોરા, વઢવાણથી ધનજીભાઈ પટેલને ટિકિટ અપાઈ નથી.
આ ઉપરાંત ચોટીલાથી જીણાભાઈ દેરવાળિયા, ધ્રાંગધ્રાથી જેરામભાઈ સોનાગરા, ટંકારાથી રાઘવજીભાઈ ગડારા, રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણી, રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી, રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલ, રાજકોટ ગ્રામ્યથી લાખાભાઈ સાગઠિયા, કાલાવડથી મુળજીભાઈ ધૈયાડા, જામનગર ઉત્તરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જામનગર દક્ષિણથી આરસી ફળદુ, માણાવદરથી નીતિનકુમાર ફળદુ, જૂનાગઢથી મહેન્દ્રભાઈ મશરૂ, વિસાવદરથી કિરીટ પટેલ, સોમનાથથી જશાભાઈ બારડ, તાલાલાથી ગોવિંદભાઈ પરમાર, કોડિનારથી રામભાઈ વાઢેર, ઉનાથી હરિભાઈ સોલંકી, અમરેલીથી બાવકુભાઈ ઉંધાડ, લાઠીથી ગોપાલભાઈ, સાવરકુંડલાથી કમલેશ કાનાણી, મહુવાથી રાઘવભાઈ મકવાણા, ગઢડાથી આત્મારામ પરમાર, બોટાદથી સૌરભ પટેલના પણ પત્તા કાપવામાં આવ્યા છે.
ભાજપે પોતાની યાદીમાં નોરીપીટ થીયર પર ભાર મુકતા ખંભાતથી મયુર રાવલ, અંકલાવથી હંસાકુંવરબા રાજ, માતરથી કેસરીસિંહ સોંલકી, મહુધાથી ભરતસિંહ પરમાર, ઠાસરાથી રામસિંહ પરમાર, કપડવંજથી કનુ ડાભી, લુણાવાડાથી મનોજકુમાર પટેલ, મોરવાહડફથી વિક્રમસિંહ ડિંડોર, કલોલથી સુમનાબેન ચૌહાણ, વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, અકોટાથી સીમા મોહિલે, રાવપુરાથી રાજેન્દ્ર ત્રિવેદી, પાદરાથી દિનેશભાઈ પટેલ, કરજણથી સતીષ પટેલ, નાંદોદથી શબ્દશરણ તડવી, જંબુસરથી છત્રસિંહ મોરી, ઝઘડીયાથી રવજીભાઈ વસાવા, ભરૂચથી દુષ્યંત પટેલ, માંડવીથી પ્રવીણ ચૌધરી, કામરેજથી વીડી ઝાલાવાડિયા, ઉધનાથી વિવેક પટેલ, વ્યારાથી અરવિંદભાઈ ચૌધરી, નિઝરથી કાંતિલાલભાઈ ગામીત, નવસારીથી પિયુષ દેસાઈ, વાંસદાથી ગણપત મહાલા, કપરાડાથી મધુભાઈ રાઉતને પણ ટિકિટ આપી નથી.
આ પણ વાંચો:ભાજપના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે ચૂંટણી, જુઓ આખું લિસ્ટ
આ MLA પર ફરી ભરોસો મૂકાયો
માંગરોળથી ગણતપત વસાવા, જેતપુરથી જયેશ રાદડીયા, લિંબાયતથી સંગીતા પાટીલ, વરાછાથી કુમાર કાનાણી, વલસાડથી ભરત પટેલ, ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી, જલાલપોરથી આર.સી.પટેલ અને રાપરથી વિરેન્દ્રસિંહ જાડેજાને રીપીટ કરવામાં આવ્યા છે.
ભાજપે મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા
સત્તાવાર યાદી જાહેર થાય એ પહેલાં ભાજપે મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા હતાં. ગીર સોમનાથમાં જશા બારડનું પત્તું કપાયું અને માનસિંહ પરમારને ટિકિટ આપી હોવાની ચર્ચા છે. તો કોંગ્રેસમાં ગઈકાલે ભાજપમાં આવેલા ભગા બારડને ટિકિટ અપાઈ હોવાની પણ ચર્ચા છે. ગઢડા બેઠક પરથી સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયાને ફોન આવ્યો છે, જ્યારે અમરેલી બેઠકથી કૌશિક વેકરિયા અને લીંબડીથી કિરીટસિંહ રાણાની ટિકિટ લગભગ ફાઈનલ છે.
આ દિગ્ગજોએ ચૂંટણી લડવાનો જ કર્યો ઈનકાર
ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાય એ પહેલાં પોતે જ ચૂંટણીમાંથી દાવેદારી પાછી ખેંચી છે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ શિક્ષણમંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિધાનસભાની રેસમાંથી બહાર થઈ ગયા છે.
રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, હું રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડું. અગાઉ પણ તેમણે જણાવ્યું હતું કે, તેમણે ઉમેદવાર તરીકે દાવેદારી નથી નોંધાવી. રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર પાર્ટી હાઈકમાન્ડ ગમે તે ઉમેદવારને ટિકિટ આપશે, તેને જીતાડવા તેઓ પ્રયત્ન કરશે.
આવી જ રીતે મહેસાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પત્ર સામે આવ્યો છે. જેમાં તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને સંબોધીને લખ્યું છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં હું મહેસાણા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવા નથી ઈચ્છતો. આથી ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં મારુ નામ વિચારણામાં ના લેવા વિનંતી છે.
રૂપાણી સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી નથી લડવાના. ધોળકા વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ વખતની ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, મેં ચૂંટણી નહી લડવાનો મારો નિર્ણય પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જણાવી દીધો છે. મેં નક્કી કર્યું છે કે, અન્ય કાર્યકરને તક મળવી જોઈએ. હું અત્યાર સુધીમાં 9 વખત ચૂંટણી લડી ચૂક્યો છે. આ બદલ હું પાર્ટીનો આભારી છું.
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ જે બોટાદ બેઠક પરથી ધારાસભ્ય છે તે અને ભાવનગરથી ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા વિભાવરીબેન દવે પણ આ ચૂંટણી નહી લડે.
ભાજપ આ વખતે મોટાભાગના જૂના જોગીઓના સ્થાને નવા અને લોકપ્રિય ચહેરાઓને તક આપી છે. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નામ પસંદ કરવામાં આવ્યા હતા. 182 માંથી 160 બેઠકની યાદી જાહેર કરી છે જેમાં 14 મહિલાઓ તેમજ 13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો 38 બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં 4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.