દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો છે. આ દર્દીનો વિદેશ પ્રવાસનો કોઈ ઈતિહાસ નથી. અગાઉ કેરળમાં મંકીપોક્સના ત્રણ કેસ નોંધાયા છે. ત્રણેય દર્દીઓ યુએઈથી પરત ફર્યા હતા અને ત્યાં એક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં એક નવો દર્દી દાખલ થયો છે. આરોગ્ય મંત્રાલયે 31 વર્ષીય વ્યક્તિમાં ચેપની પુષ્ટિ કરતા કહ્યું કે, તેની પાસે કોઈ મુસાફરીનો ઇતિહાસ નથી. એટલે કે, અત્યાર સુધી મળી આવેલા ચાર દર્દીઓમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દર્દીને હાઈ ફીવર અને ચામડીના રોગ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અગાઉ 14 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો. મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કેરળના આરોગ્ય પ્રધાન વિણા જ્યોર્જે એ કરી હતી. તે યુએઈથી પરત ફર્યો હતો. મંકીપોક્સના લક્ષણો દર્શાવ્યા બાદ તેમને કેરળની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પોઝિટિવ આવ્યો હતો.
આ કેસના ચાર દિવસ પછી એટલે કે, 18મી જુલાઈએ કેરળમાં વધુ એક કેસની પુષ્ટિ થઈ. આ વ્યક્તિ પણ દુબઈથી પરત ફર્યો હતો. આ પછી, 22 જુલાઈએ ત્રીજા કેસની પુષ્ટિ થઈ. ત્રણેય કેસમાં યુએઈ કનેક્શન સામે આવ્યા છે. આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ શનિવારે વિશ્વભરમાં ઝડપી ફેલાય રહેલા મંકીપોક્સ વાઈરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. WHO નાં ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે, મંકીપોક્સ વાઈરસના વધતા જતા કેસ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.
મંકીપોક્સ શું છે ?
મંકીપોક્સ એક વાયરસ છે. જે સૌ પ્રથમ વાંદરાઓમાં જોવા મળ્યો હતો. 1970માં પહેલી વાર સાઉથ આફ્રિકામાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધી 70થી વધુ દેશોમાં વાયરસના 7 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.
શું છે મંકીપોક્સના લક્ષણો
મોટા ભાગે આ રોગમાં તાવ, ચામડી પર દાણા, અને સોજા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીય વાર શરૂરમાં દુખાવો અને ચામડી પર ફોલ્લી જોવા મળે છે. શરીર પર લાલ ચકામા પણ પડી જાય છે. મોટા ભાગના કેસોમાં દર્દી કોઈ પણ સારવાર વગર ઠીક થઈ જાય છે.