જમ્મુ-કાશ્મીર બાદ હવે રાજસ્થાનમાં પણ લિથિયમનો મોટો ભંડાર મળ્યો!
જમ્મુ-કાશ્મીર બાદ હવે રાજસ્થાનમાં પણ લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ના અધિકારીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. એવું માનવામાં આવે છે કે નાગૌર વિસ્તારમાં મળેલો આ સ્ટોક જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં મળેલા સ્ટોક કરતા મોટો છે. એક અહેવાલ મુજબ અધિકારીઓનો દાવો છે કે રાજસ્થાનમાં મળી આવેલા લિથિયમના ભંડાર દેશની 80 ટકા માંગને પૂરી કરી શકે છે. મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમ ભંડારની શોધ થઈ હતી. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં 5.9 મિલિયન ટન લિથિયમ ભંડાર છે.
ઈલેક્ટ્રિક વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે
એક રિપોર્ટ અનુસાર, લિથિયમના ભંડાર મળવાને કારણે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આનાથી આવનારા સમયમાં ઈલેટ્રિક વાહનોના માર્કેટ અને તેમના ગ્રાહકોને ઘણો ફાયદો થઈ શકે છે. કહેવાઈ રહ્યું છે કે રાજસ્થાન બાદ મેઘાલય, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં પણ લિથિયમની શોધખોળ કરાઈ રહી છે.
લિથિયમનો ઉપયોગ ક્યાં થાય છે?
ફોક્સવેગનના રિપોર્ટ અનુસાર લિથિયમનું વૈશ્વિક બજાર ઝડપથી વધી રહ્યું છે. 2008 અને 2018 વચ્ચે ટોચના ઉત્પાદક દેશોમાં વાર્ષિક ઉત્પાદન 25,400 થી વધીને 85,000 ટન થયું છે. લિથિયમનો સૌથી વધુ ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોની બેટરીમાં થાય છે. જો કે, લિથિયમનો ઉપયોગ લેપટોપ અને સેલ ફોનની બેટરી તેમજ કાચ અને સિરામિક ઉદ્યોગોમાં પણ થાય છે.
ભારતને કેટલો ફાયદો?
એવો દાવો કરવામાં આવે છે કે રાજસ્થાનમાં મળતું લિથિયમ ભારતની કુલ માંગના 80 ટકાને પૂર્ણ કરી શકે છે. ભારત હજુ પણ લિથિયમ માટે ચીન પર નિર્ભર છે. હવે એવું માનવામાં આવે છે કે ચીનનો એકાધિકાર ખતમ થશે અને રાજસ્થાનને દેશનું કિસ્મત ગલ્ફ દેશોની જેમ ચમકશે.
આ પણ વાંચો: ઓખાના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ મામલે થયા ચોંકાવનારા ખુલાસા