વર્લ્ડ

ભારત બાદ હવે પાકિસ્તાન પણ રશિયા પાસેથી મોટાપાયે ક્રૂડ ઓઇલની કરશે ખરીદી

  • પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિકે કરી જાહેરાત
  • 4 અઠવાડિયામાં મળશે પહેલું કનસાઈનમેન્ટ
  • PAK અગાઉ પણ રશિયન તેલ ખરીદવા માંગતી હતી

અમેરિકા અને પશ્ચિમી દેશો સતત ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા દબાણ કરી રહ્યા છે, પરંતુ તમામ દબાણનો સામનો કરીને ભારત સતત રશિયા પાસેથી સસ્તા ભાવે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. હવે પાકિસ્તાન પણ ભારતના આ પગલાની નકલ કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાનના મીડિયા આઉટલેટ ડૉનના અહેવાલ મુજબ ત્યાંના પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિકે કહ્યું છે કે તેમની સરકાર આવતા મહિને રશિયાથી ક્રૂડ ઓઈલનો પહેલો ઓર્ડર આપવા જઈ રહી છે.

4 અઠવાડિયામાં મળશે પહેલું કનસાઈનમેન્ટ

મુસાદિક મલિકના જણાવ્યા અનુસાર, રશિયાથી તેલના પ્રથમ કન્સાઈનમેન્ટને પાકિસ્તાન પહોંચવામાં ચાર સપ્તાહનો સમય લાગશે. ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા અને પશ્ચિમી દેશોના દબાણમાં આવ્યા વિના, આપણો પાડોશી દેશ ભારત સતત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે.

PAK અગાઉ પણ રશિયન તેલ ખરીદવા માંગતી હતી

અગાઉ પાકિસ્તાને 2022માં પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની વાત કરી હતી. પરંતુ ત્યારપછી પાકિસ્તાને એક પગલું પીછેહઠ કરીને ડીલને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધી હતી. ત્યારે નિષ્ણાતોએ પાકિસ્તાનના આ પગલા પાછળનું કારણ અમેરિકાનું દબાણ જણાવ્યું હતું. પરંતુ હવે અમેરિકાને મોટો ઝટકો આપતા પાકિસ્તાને આખરે રશિયા પાસેથી તેલ ખરીદવાનું મન બનાવી લીધું છે.

નાણામંત્રીના પ્રશ્નો પૂછ્યા બાદ નિર્ણય

જ્યારથી ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું છે ત્યારથી પાકિસ્તાન પણ સસ્તા તેલની ખરીદી માટે રશિયા તરફ નજર કરી રહ્યું છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે પૂછ્યું હતું કે પાકિસ્તાને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ કેમ ન ખરીદવું જોઈએ. આ પછી પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિક ક્રૂડ ઓઈલ સપ્લાયના મુદ્દે ચર્ચા કરવા માટે મોસ્કો ગયા હતા. આ મુલાકાત બાદ જ પાકિસ્તાન સરકારે જાહેરાત કરી હતી કે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે.

રશિયાનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ ગયું હતું

સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે એક રશિયન પ્રતિનિધિમંડળ જાન્યુઆરી 2023માં ઈસ્લામાબાદ પહોંચ્યું હતું. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન આવતા મહિને રશિયાને ક્રૂડ ઓઈલનો ઓર્ડર આપશે. જો કે, કન્ટેનર પહોંચવામાં લગભગ 26-27 દિવસ લાગશે. તેલનો જથ્થો દરિયાઈ માર્ગે પાકિસ્તાન પહોંચશે.

Back to top button