વૉશિંગ્ટન (અમેરિકા), 26 માર્ચ: જર્મની બાદ અમેરિકાએ પણ દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે તે ભારતના અગ્રણી વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતના અગ્રણી વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહ્યા છીએ અને દેશમાં ન્યાયી કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ. હકીકતમાં કેજરીવાલની ધરપકડ પર જર્મનીના નિવેદન બાદ ભારતે જર્મન રાજદૂતને બોલાવીને સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાક્રમ બાદ જ આ મામલે અમેરિકાની પ્રતિક્રિયા આવી છે.
કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિરોધ અંગે ભારતના વલણ અંગે પૂછવામાં આવતા અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ માટે તમારે જર્મનીના વિદેશ મંત્રાલય સાથે વાત કરવી પડશે કે તેઓએ ભારત સરકાર સાથે શું વાતચીત કરી છે.
અગાઉ અમેરિકાએ CAAને લઈને નિવેદન આપ્યું હતું
આ મુદ્દા પહેલા વૉશિંગ્ટન તરફથી પણ CAAને લઈને નિવેદન આવ્યું હતું. ત્યાંના પ્રવક્તાએ તે સમયે કહ્યું હતું કે અમે CAA પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ભારતમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલા અમેરિકા દ્વારા દરેક મુદ્દે મુકવામાં આવતા અવરોધને દેશ માટે સારું માનવામાં નથી આવી રહ્યું. અમેરિકા પહેલા દિલ્હીના સીએમની ધરપકડ પર જર્મનીથી પણ નિવેદન સામે આવ્યું છે. જો કે ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન ભારતે જર્મન એમ્બેસીના ડેપ્યુટી ચીફને બોલાવીને વાતચીત કરી હતી.
અરવિંદ કેજરીવાલની શા માટે ધરપકડ કરાઈ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની EDએ 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તે 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે.
આ પણ વાંચો: કેજરીવાલનો ED કસ્ટડીમાંથી બીજો આદેશ: હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓ મળતી રહે