વડોદરામાં યુવતી સાથે પાંચ વર્ષ મિત્રતામાં રહ્યા બાદ લગ્ન કર્યા ‘ને પછી એક વર્ષમાં જ તરછોડી દીધી!


વડોદરાઃ શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી 19 વર્ષિય યુવતીએ બાપોદમાં લગ્નના એક વર્ષ બાદ જ પતિએ અને સાસરિયાએ તરછોડી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
ગત જુલાઇ 2021માં જ લગ્ન થયા હતાં
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, કિરણ દિનેશભાઇ સોલંકી (રહે. શ્રી હરી ટાઉનશીપ, આજવા રોડ, વડોદરા) સાથે તેને પાંચ વર્ષ સુધી મિત્રતા રહી હતી. ત્યારબાદ જુલાઇ 2021માં યુવતીના કિરણ સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના બાદ સાસુ, સસરા અને નણંદ દહેજની માંગણી કરવા લાગ્યાં હતા.
પતિ અને સાસરિયાએ દહેજ માંગ્યું
સાસરીયા પરિણિતાને કહેતા કે, ‘તું તારા ઘરેથી કશું લાવી નથી.’ સાથે જ મારઝૂડ પણ કરતા. આ અંગે પતિને કિરણને ફરિયાદ કરતા પતિ પણ પોતાની માતાના ઉપરાણું લેતો. તેમજ શારીરીક અને માનસિક ત્રાસ ગુજારતો. જેથી પરિણીતાને તેના માતા-પિતા પિયર લઇ ગયા હતા અને આજ સુધી તે પિયરમાં જ રહે છે. જેથી પરિણિતાએ પતિ સહિત સાસરીયા સામે દહેજની માગ અને મારઝૂડ કર્યાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.