વડોદરામાં રેસકોર્સના પરમ બંગલો કેસમાં FIR બાદ હવે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો


- કલેકટરે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધવા આદેશ આપ્યો
- આદેશ આપતા આ કેસમાં વધુ એક એફઆઇઆર નોંધાઈ
- પરમ બંગ્લોઝની જંત્રી મુજબ 9 કરોડ જેટલી કિંમત થતી
વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા પરમ બંગલોના બહુચર્ચિત કેસમાં વર્ષ 2019માં એફઆઇઆર નોંધાયા બાદ ફરિયાદ કરનાર વૃદ્ધાની અરજીને ધ્યાનમાં રાખી કલેકટરે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધવા આદેશ આપતા આ કેસમાં વધુ એક એફઆઇઆર નોંધાઈ છે.
પરમ બંગ્લોઝની જંત્રી મુજબ 9 કરોડ જેટલી કિંમત થતી
રેસકોર્સ વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાસે આવેલા પરમ બંગ્લોઝની જંત્રી મુજબ 9 કરોડ જેટલી કિંમત થતી હોવા છતાં 82 વર્ષીય સુનંદાબેન પટેલ તેમજ તેમના પતિ સ્વ.રમણભાઈ પટેલના નામની ખોટી સહીઓ અને મેરેજ સર્ટિફિકેટના નામે ફોર્મ ઉપર અંગૂઠા લઈ મિલકત વહેંચી દેવામાં આવી હતી. જે બાબતે વર્ષ 2019 માં સુનંદાબેન પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડો કરી હતી. જે કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે.
જાણ બહાર બેંકમાં એક કરોડ જેટલી રકમ જમા કરાવી
આ કેસમાં સુનંદા બેને બંગલાનો કબજો તેમની પાસે હોવાથી બોગસ દસ્તાવેજ કરનાર અને તેમની જાણ બહાર બેંકમાં એક કરોડ જેટલી રકમ જમા કરાવનાર સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધવા અરજી કરતા કલેકટરે આ અરજી સ્વીકારી ગુનો નોંધો આદેશ કર્યો છે. જેને પગલે અકોટા પોલીસે વચેટીયા (1) દિલીપ શંકરલાલ પટેલ (પ્રથમ સૃષ્ટિ સોસાયટી, રિફાઇનરી રોડ, વડોદરા)(2) વિપુલ ભગવાનભાઈ રૂપાપરા (રઘુવીર પાર્ક, સ્વામિનારાયણ મંદિર પાસે નિકોલ અમદાવાદ)(3) પરેશ નટુભાઈ પટેલ (મૂળ સિહોલ, પેટલાદ હાલ અમેરિકા) અને (4) એમએન વોરા (આણંદ) સામે ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI આધારિત CCTV ગોઠવાશે