અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

બનાસકાંઠાના ડીસા બાદ આણંદના આંકલાવ ભાજપમાં ભૂકંપ, 23 હોદ્દેદારોના રાજીનામા

આણંદ, 24 ઓગસ્ટ 2024, ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં ઉથલપાથલ શરૂ થઈ છે. ગઈકાલે ડીસા નગરપાલિકામાં ભાજપના 17 સભ્યોએ એકસાથે રાજીનામાં આપ્યા હતાં. ત્યારે આજે આણંદના આંકલાવમાં સંગઠનમાં શહેર મહામંત્રીના રાજીનામા બાદ વધુ 22 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. 18 ઓગસ્ટના રોજ આંકલાવ શહેર મહામંત્રીએ અચાનક રાજીનામું આપી દીધું હતું. આ પછી મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં આજે વધુ 22 રાજીનામા પડતાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.

કોંગ્રેસના પક્ષપલટુઓને કારણે આંકલાવ ભાજપમાં ભડકો
આંકલાવ શહેર ભાજપના હોદ્દેદારોનો આરોપ છે કે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા સભ્યો દખલગીરી કરે છે. જેનાથી હોદ્દેદારોએ નારાજ થઈને રાજીનામાં આપ્યા છે. મહામંત્રીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા સભ્યો દાદાગીરી કરે છે. સસ્પેન્ડ થયેલાની પક્ષમાં ચાલતી દખલગિરીથી સ્થાનિક કાર્યકરો નારાજ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલના વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું.

ભાજપના કામો ન થાય એ માટે હેરાનગતિ કરતા
આંકલાવ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વિશાલ પટેલે આ અંગે વાત કરતા મીડિયાને જણાવ્યું કે નગરપાલિકાની ગત ચૂંટણીમાં મેન્ડેટ ન લીધેલું અને પક્ષની સામે જ લડેલા, અપક્ષમાં લડેલા જે કાર્યકર્તાઓ હતા એમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા અને ફરીથી પાછા પક્ષમાં જોડવામાં આવ્યા. એ લોકો જ્યાં સુધી સસ્પેન્ડ રહ્યા ત્યાં સુધી, ભાજપના કામો ન થાય એ માટે હેરાનગતિ કરતા હતા. પક્ષનું પરિણામ માઠું આવે એવા પ્રયત્નો કરતા હતા.પક્ષમાં લીધા પછી અમારે પણ એવું થઈ ગયું કે પક્ષના લોકોની સામે જ બાંયો ચઢાવી.

છેલ્લા ત્રણ મહિનાથી સંગઠનમાં રજૂઆતો કરી
વધુમાં તેમણે કહ્યું કે એ લોકોએ અમને વ્યક્તિગત રીતે અને પરિવાર પર પણ ષડ્યંત્રો કરીને હેરાનગતિઓ કરવાની ચાલુ કરી હતી અને વારંવાર જિલ્લા સંગઠનમાં રજૂઆત કરવા માટે છેલ્લા 3 મહિનાથી સતત જતા હતા. અમને પાર્ટીના સંગઠને કશું કહ્યું નહીં એમને પણ ઠપકો ન આપ્યો. એ લોકો પરિવાર સુધી પહોંચી ગયા અને વ્યક્તિગત રીતે નુકસાન કરવાનું ચાલુ કર્યું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં એક સાથે 17 સભ્યોએ રાજીનામાં ધરી દીધા હતાં અને પ્રમુખ સામે મનસ્વી રીતે નિર્ણયો લેવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃડીસા નગરપાલિકામાં ભાજપના 17 સભ્યોના રાજીનામાથી હડકંપ, પ્રમુખ સામે આક્ષેપ કર્યા

Back to top button