કોરોના બાદ હવે રાજ્યમાં આ રોગ મચાવી રહ્યો છે હાહાકાર ! જાણો શું છે તેનાં લક્ષણો ?
ભારત હજી કોરોના જેવી ભયાનક મહામારીમાંથી માંડ બેઠું થયું છે, ત્યારે હવે રાજ્યમાં વધુ એક રોગ તેનું વિરાટ સ્વરુપ ધીમે ધીમે બતાવી રહ્યો છે. આ રોગનું નામ ઓરી છે. માત્ર અમદાવાદની વાત કરવામાં આવે તો છેલ્લાં બે મહિનામા ઓરીના ૪૫૭ કેસ નોંધાયા છે. આ રોગ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધીમે ધીમે ફેલાય રહ્યો છે. છેલ્લાં વર્ષમાં અમદાવાદમાં જ ઓરીના ૧૬૬૧ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. તેથી અમદાવાદમાં આ વર્ષે પાંચ વર્ષ સુધીના બાળકોમાં ઓરીનો વ્યાપ વધુ પ્રમાણમા જોવા મળતા ઓરીના કેસ શોધવા હેલ્થ વિભાગે વ્યાપક ઝૂંબેશ શરુ કરી છે. આ ઉપરાંત ૭૫ હજાર બાળકોને વેકિસનનો બુસ્ટર ડોઝ પણ અપાયો છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે SP ઓફિસની લીધી ઓચિંતી મુલાકાત, અધિકારીઓ સાથે કરી વાતચીત
અમદાવાદ હેલ્થ વિભાગે બોલાવી તાત્કાલિક બેઠક
આ રોગ ધીમે ધીમે ફેલાતા અમદાવાદ મ્યુનિ.ની હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક બેઠક બોલાઈ હતી, જેમાં ઓરીના વધતા કેસને નિયંત્રિત કરવા વ્યાપક ચર્ચા કરાઈ હતી.કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરના કહેવા પ્રમાણે,બે મહિનામા ઓરીના કેસ વધતા શહેરના પૂર્વ ઉપરાંત દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન એમ ત્રણ ઝોનના ૨૮ અર્બન હેલ્થ સેન્ટરને કલસ્ટર ઝોન તરીકે જાહેર કરી પાંચ વર્ષ સુધીની વયના બાળકોની સઘન તપાસ શરુ કરવામા આવી છે.
ઓરી શું છે અને તેનાં લક્ષણો કયા હોય છે ?
ઓરીનો આ રોગ મોટેભાગે બાળકોમાં વધારે ફેલાય છે. ઓરી એક ચેપી રોગ છે, જે ‘પેરામાઇક્સોવાઇરસ’ નામના વિષાણુથી ફેલાય છે. આ રોગ પીડિત વ્યક્તિને ઉધરસ કે છીંક આવે તો વ્યક્તિના થૂકના કણોમાં વાઇરસ આવી જાય છે અને હવામાં ફેલાય જાય છે. આ કોઈ પણ સ્વસ્થ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. ઓરીનાં લક્ષણ સામાન્ય રીતે બીજા સપ્તાહની અંદર આવવાના શરૂ થાય છે. ઓરીથી પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ઓરીનું સંક્રમણ થઈ શકે છે.
બાળકોને શરદી, તાવ, ઉધરસ, ગળામાં તકલીફ, શરીરમાં દુખાવો, આંખમાં બળતરા, આંખો લાલ થવી વગેરે આની શરૂઆતમાં લક્ષણ હોય છે. ત્યારબાદ પાંચથી સાત દિવસ પછી શરીર પર લાલ ઓરી નીકળે છે. આ ઉપરાંત કેટલીક વખત બાળકોના મોઢામાં સફેદ ડાઘ પણ જોવા મળે છે.
એક વર્ષમાં ૧.૨૫ લાખથી વધુ બાળકોને ઓરીની રસી આપવામાં આવી
તેથી અમદાવાદ મ્યુનિ. કોર્પો. તરફથી ઓરી જેવા લક્ષણ જોવા મળે એવા બાળકોની તપાસ કરી, જેમણે વેકિસન લીધી ના હોય તો વેકિસન આપવા ઉપરાંત વીટામીન-એના ડોઝ પણ આપવામા આવી રહયા છે. છેલ્લાં એક વર્ષમાં પાંચ વર્ષ સુધીના ૧.૨૫ લાખથી વધુ બાળકોને ઓરી સામે રક્ષિત કરવા રસી આપવામા આવી છે.