કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ
લઠ્ઠાકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં 13 જેલ હવાલે, એક સારવારમાં
બોટાદના બરવાળામાં સામે આવેલા લઠ્ઠાકાંડમાં આશરે 50 લોકોની જિંદગી હોમાઈ ગઈ છે. આ ગંભીર દુર્ઘટના સંદર્ભે ગૃહવિભાગ અને સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એકબાદ એક 14 શખ્સોની ધરપકડ કરી હતી ત્યારે તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. જે આજે પૂર્ણ થતાં જ 13 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે જ્યારે કે એક આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના ? અને કોણ છે તેના આરોપીઓ ?
ગત 25 જુલાઈના રોજ બરવાળામાં કેમિકલ કાંડ સર્જાયો હતો. જે કાંડ બાદ રાણપુર, બરવાળા સહિત ધંધુકાના અનેક ગામોમાં લોકો મોતને ભેટ્યા હતા. બરવાળામાં બનેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં જોવા મળ્યા હતા. બરવાળા લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાને લઇ તે સમયના જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી સહિત પોલીસ કર્મચારી રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ કામે લાગી ગયા હતા. તેમજ આ કાંડમાં સંડોવાયેલા તથા શંકાના દાયરામાં આવતા તમામની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પૂછપરછ દરમ્યાન સમગ્ર લઠ્ઠાકાંડમાં કુલ 14 આરોપી (1) ગજુબેન પ્રવિણ બહાદુર વડદરિયા, રહે.રોજીદ (2) પિન્ટુ રસિક દેવીપૂજક, રહે.ચોકડી (3) વિજય ઉર્ફે લાલો પઢિયાર, રહે. રાણપરી (4) ભવાન નારાયણ ડાબસરા, રહે.વૈયા (5) સંજય ભીખા કમરખાણીયા, રહે.નભોઈ (6) અજિત ઉર્ફે દાજી દિલીપ કુંમરખાણીયા, રહે.ચોકડી (7) જટુભા લાલુભા રાઠોડ, રહે.રાણપરી (8) નસીબ છના ગોરાસવા, રહે.ચોકડી (9) ચમન રસિક કુંમરખાણીયા, રહે.ચોકડી (10) જયેશ ઉર્ફે રાજુ રમેશ ખાવડીયા, રહે.અમદાવાદ (11) હરેશ કિશન આંબલિયા, રહે.ધંધુકા (12) ભવાન રામુ કુમારખાણીયા, રહે.નભોઈ (13) વિનોદ ઉર્ફે ફનટો ભીખા કુમારખાણીયા, રહે.નભોઈ અને (14) સન્ની રતિલાલ – પોલારપુર – સારવાર હેઠળ ભાવનગર વિરૂદ્ધ 302નો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ તેમને કોર્ટમાં રજૂ કરતા તમામ આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતાં ભાવનગર ખાતે બરવાળા પોલીસ સ્ટેશનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરવાના આદેશ આપતા તમામને જેલ ભેગા કરવામાં આવ્યા હતા જો કે એક આરોપીની તબિયત ખરાબ હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.