શ્રીનગરમાં યાત્રા પૂરી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું- સ્થિતિ સામાન્ય છે તો અમિત શાહે અહીં આવવું જોઈએ, બ્લાસ્ટ થઈ રહ્યા છે…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ શ્રીનગરમાં પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો ઘાટીમાં સ્થિતિ સામાન્ય હોય તો ગૃહમંત્રી અમિત શાહે અહીં આવવું જોઈએ. અહીં બ્લાસ્ટ થઈ રહ્યા છે, ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. જણાવી દઈએ કે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ રવિવારે (29)ના રોજ શ્રીનગરમાં સમાપ્ત થઈ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા ચાલી રહી હતી. યાત્રાના અંતે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના અનુભવો શેર કર્યા, સાથે જ કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર પર નિશાન સાધ્યું.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રવાસમાં ઘણું શીખવા મળ્યું. આ યાત્રાનો ધ્યેય લોકોને જોડવાનો, નફરતનો અંત લાવવાનો હતો, લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. આ મારા જીવનનો સૌથી ઊંડો અને શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે. યાત્રા અહીં પૂરી નથી થતી, આ પહેલું પગથિયું છે..શરૂઆત છે. વિપક્ષના પક્ષોમાં જે એકતા આવે છે તે વાતોથી જ આવે છે. વિપક્ષ વેરવિખેર છે એમ કહેવું યોગ્ય નથી. વિપક્ષમાં મતભેદ ચોક્કસપણે છે, પરંતુ વિપક્ષો સાથે મળીને લડશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ-ભાજપના લોકો છે અને બીજી બાજુ આરએસએસ-ભાજપ સિવાયના લોકો છે. જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ, બ્લાસ્ટ થઈ રહ્યા છે. જો સુરક્ષા વ્યવસ્થા આટલી સારી છે તો ભાજપ લાલચોકથી જમ્મુની મુસાફરી કેમ નથી કરતું, ગૃહમંત્રી અમિત શાહ જમ્મુથી કાશ્મીરની મુસાફરી કેમ નથી કરતા? મને નથી લાગતું કે અહીંની સુરક્ષા સારી છે.
આ પણ વાંચો : IND vs NZ 2nd T20 : ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો