સુરતમાં પ્રેમીએ દગો આપતાં યુવતી તાપી નદીમાં કૂદે તે પહેલાં TRB જવાને બચાવી
સુરત, 7 માર્ચ 2024, શહેરના કતારગામમાં એક યુવતીને તેનો પ્રેમી પરીણિત હોવાની જાણ થતાં તે હતાશ થઈ ગઈ હતી. પ્રેમમા મળેલી નિષ્ફળતાની હતાશામં તે આપઘાત કરવા અમરોલી બ્રિજ પર પહોંચી હતી. યુવતી તાપી નદીમાં છલાંગ મારે તે પહેલાં જ તેને TRB જવાને બચાવી લીધી હતી. ત્યાર બાદ યુવતીને તેના પિતાને સોંપી દીધી હતી.ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલે આપઘાત કરવા નીકળેલી યુવતીને બચાવી લઇને ખૂબ જ સારી કામગીરી કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેની ફરજને બિરદાવી હતી.
જાળીને કટરથી કાપીને યુવતીને બચાવી લેવાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં અમરોલી વિસ્તારમાં જૂના જકાતનાકા પાસે ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો હતો. આ દરમિયાન અમરોલી બ્રિજ પર પસાર થતાં રાહદારીઓની નજર બ્રિજની ગ્રીલ પર ચઢીને નદીમાં કૂદવા જતી યુવતી પર પડી હતી.આ દરમિયાન એક રિક્ષા ચાલકે પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા TRB જવાન રાહુલ દાયમાને બૂમ પાડીને બોલાવ્યો હતો. તે તરત ત્યાં પહોંચ્યો હતો અને યુવતી સાથે સતર્કતાથી વાતચીત કરવા માંડ્યો હતો. યુવતીને વાતોમાં પરોવીને તેને પકડી રાખી હતી. ત્યાર બાદ ફાયર અને પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન મહિલાઓ સહિત અનેક લોકો દોડી આવ્યા હતાં.પોલીસ અને ફાયરની ટીમે બ્રિજની જાળીને કટરથી કાપીને યુવતીને સલામત રીતે બચાવી હતી.
માતા નહીં હોવાથી યુવતી પિતા સાથે રહેતી હતી
યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતાં છેલ્લાં ચાર વર્ષથી એક યુવકની સાથે ગાઢ પ્રેમમાં હતી. આ યુવતી સાથે પ્રેમી યુવાને અત્યાર સુધી પોતે અપરિણીત હોવાનું કહીને પ્રેમસંબંધ રાખ્યો હતો. પરંતુ ગઈકાલે યુવતીને તેનો પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જણાયું હતું. પ્રેમીએ દગો કર્યો હોવાનું જણાતાં યુવતી હતાશ થઈ ગઈ હતી અને તેણે આપઘાત કરવાનું વિચાર્યું હતું. આ બનાવ બાદ યુવતીના પિતા અને કતારગામ પીસીઆર વાનને પણ બોલાવી લઈ યુવતીને સોંપી દીધી હતી. યુવતીની માતાનું મૃત્યુ થઈ ગયું હોવાથી પિતા સાથે રહેતી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદમાં ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં જ મહિલા તબીબે ઇન્જેક્શન મારીને જીવન ટૂંકાવ્યું