ચેમ્પિયન્સ ટ્રોફીએ પાકિસ્તાનના ક્રિકેટરોને રાતા પાણીએ રડાવ્યા, ખેલાડીઓને કપાયો પગાર


લાહોર, તા.17 માર્ચ, 2025: ચેમ્પિયન્સ ટ્રોફીના ચજમાન પાકિસ્તાનની ગણતરી ઉંધી વળી ગઈ હતી. 29 વર્ષ બાદ કોઈ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હોવાથી તેમાંથી તોતિંગ કમાણી થવાની ધારણા હતી. પરંતુ તેમની આ ધારણા ખોટી પડી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનથી પીસીબીને ખોટ ગઈ હતી.
869 કરોડનો થયો હતો ખર્ચ
અહેવાલ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 85 ટકા નુકસાન થયું હતું. પાકિસ્તાને કૂલ 869 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા પરંતુ તેમના હોમ ગ્રાઉન્ડ પર યજમાન ટીમ એક જ મેચ રમી શક્યું હતું ચેમ્પિયન્સ ટ્રોફીના ત્રણ સ્થળ રાવલપિંડી, લાહોર અને કરાચીને અપગ્રેડ કરવા આશરે 58 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, જે તેના બજેટ કરતાં 50 ટકા વધારે હતા. આ ઉપરાંત ઈવેન્ટની તૈયારીમાં 40 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે તેમને માત્ર 6 મિલિયન ડોલર જ કમાણી થઈ હતી.જે હોસ્ટિંગ ફી, ટિકિટ વેચાણ અને સ્પોનસરશિપથી થઈ હતી. આ રીતે પાકિસ્તાનને 85 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
ક્રિકેટરોને 5 સ્ટાર હોટલમાં ઉતારો કર્યો બંધ
રિપોર્ટ મુજબ આ નુકસાનનું પરિણામ ક્રિકેટરોએ ઉઠાવવું પડ્યું હતું. નેશનલ ટી20 ચેમ્પિયનશિપની મેચ ફીમાં 90 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેલાડીઓની સુવિધામાં પણ કાપ મુક્યો છે. આ ટુર્નામેન્ટ પહેલા ક્રિકેટરોને ફાઈવ સ્ટાર હોટલમાં ઉતારો આપવામાં આવતો હતો પરંતુ હવે બજેટ હોટલમાં ઉતારો આપવામાં આવે છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ કરોડોમાં પગાર લઈ રહ્યા છે.
ઘરેલુ મેચ ફીમાં પણ કર્યો ઘટાડો
પાકિસ્તાનના દૈનિક ડૉને પણ આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં કોઈ પણ સત્તાવાર જાહેરાત કર્યા વગર ઘરેલુ મેચ ફી 40 હજારથી ઘટાડીને 10 હજાર કરી દેવામાં આવી છે. જોકે પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ તેમાં દરમિયાનગીરી કરતાં મેચ ફી 30 હજાર રૂપિયા પ્રતિ મેચ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફજેતી બાદ પણ પાકિસ્તાની ટીમ સુધરી નહીં, ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર થઈ