ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના નેતા તરીકે ચૂંટાયા પછી કહ્યું…

  • ચૂંટાયેલા તમામ સાંસદોને વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા
  • પોતાને નેતા તરીકે ચૂંટવા બદલ એનડીએના સાથી પક્ષોનો આભાર માન્યો
  • દેશની સેવા કરવામાં કોઈ કચાશ નહીં રાખીએઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 7 જૂન, 2024: 18મી લોકસભાની રચનાની કામગીરી આજે શરૂ થઈ ગઈ છે. બહુમતી સાથે ચૂંટાયેલા એનડીએ મોરચાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી મુદત માટે NDAના સર્વસંમત નેતા તરીકે પસંદ કર્યા હતા. જૂના સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં યોજાયેલી એનડીએના સાથી પક્ષોની બેઠકમાં પહોંચેલા સૌ નેતાઓએ વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

એનડીએની બેઠકમાં સર્વસંમત નેતા તરીકે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદીએ સૌનો આભાર માન્યો હતો અને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આટલી વિશાળ સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સ્વાગત કરવા મળી રહ્યું છે એ મારા માટે આનંદની વાત છે. તેમણે જીતેલા તમામ સાથીદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આપણા સૌની જીત પાછળ લાખો કાર્યકરોએ દિવસ-રાત, તીવ્ર ગરમી વચ્ચે પણ ખૂબ મહેનત કરી છે. તેમનો પુરુષાર્થ એળે નથી ગયો અને એ સૌને હું ઝૂકીને વંદન કરું છું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એનડીએ સરકારના 10 વર્ષના શાસન દરમિયાન થયેલી પ્રગતિની ગતિને જાળવી રાખવામાં આવશે. તેમણે ખાતરી ઉચ્ચારી કે આગામી સમયમાં સામાન્ય માણસોના જીવનમાં સરકારી દખલ જેટલી ઓછી થાય એ કરવા આપણે પ્રયાસ કરીશું. એવું કરવું એ જ લોકશાહીની મજબૂતી ગણાશે, તેમ જણાવી મોદીએ કહ્યું કે આજના ટેકનોલોજીના સમયમાં આપણે શ્રેષ્ઠ પરિવર્તન કરવાનું છે. આપણે વિકાસનું નવું પ્રકરણ લખવાનું છે. ગુડ ગવર્નન્સનું નવું પ્રકરણ લખવાનું છે. સામાન્ય નાગરિકોની ભાગીદારીનું નવું પ્રકરણ લખવાનું છે. આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીશું.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મારું સૌભાગ્ય છે કે, તમે સૌ સાથીદારોએ સર્વસંમતિથી મને આ જવાબદારી સોંપી છે. એ માટે હું તમારા સૌનો આભાર માનું છું. તેમણે જણાવ્યું કે, હાલ દેશના 22 રાજ્યના નાગરિકોએ આપણને સરકાર બનાવવાની તક આપી છે. ભારતની લોકશાહીની આ તાકાત છે અને તેની ચર્ચા નથી થતી એ કમનસીબી છે. તેમણે વિગતો આપતા જણાવ્યું કે, દેશમાં એવાં 10 રાજ્ય છે જ્યાં આદિવાસી સમુદાયનું પ્રભુત્વ છે. જ્યાં આદિવાસીઓની વસ્તી વધારે છે તેવા 10 રાજ્યોમાંથી સાત રાજ્યોમાં એનડીએની સરકાર છે. જ્યાં ખ્રિસ્તી સમુદાય છે તેવા રાજ્યમાં આપણને સેવા કરવાની તક મળી છે.

આ પણ વાંચોઃ NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ ઉપર સર્વસંમતિ, જાણો કોણે શું કહ્યું?

મોદીએ કહ્યું કે, ભારતના રાજકારણના ઇતિહાસમાં એનડીએને જેટલી સફળતા મળી છે એટલી સફળતા બીજા કોઈ ચૂંટણી પહેલાંના જોડાણોને મળી નથી. આ એનડીએ ગઠબંધનનો વિજય છે, આપણે બહુમતી મેળવી છે. હું ઘણી વખત કહી ચૂક્યો છું કે સરકાર ચલાવવા માટે બહુમતીની આવશ્યકતા હોય છે, લોકશાહીનો એ જ સિદ્ધાંત છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ હોય એ સૌથી જરૂરી છે. હું દેશને ખાતરી આપવા માગું છું કે તમે અમને જવાબદારી સોંપી છે અને અમે મહેનત કરવામાં કોઈ કસર નહીં રાખીએ.

આ પણ વાંચોઃ NDAની બેઠકમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, મોદીએ બંધારણને કર્યું નમન

Back to top button