ઝારખંડના CM બન્યા બાદ ચંપઈ સોરેન આજે વિધાનસભામાં બહુમતી કરશે સાબિત
- ‘શકિત બતાવો’: CM બન્યા બાદ ચંપઈ સોરેનની પહેલી ‘ટેસ્ટ’
- વિધાનસભાના વિશેષ સત્રમાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરશે
રાંચી(ઝારખંડ), 5 ફેબ્રુઆરી: આજે એટલે કે સોમવારે ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેનની સરકાર માટે મોટો દિવસ છે. તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે. અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો રવિવારે રાત્રે રાંચી પરત ફર્યા છે. આ ધારાસભ્યોમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. હેમંત સોરેનની ધરપકડ અને ચંપઈ સોરેન દ્વારા સીએમ તરીકે શપથ લીધા બાદ આ ધારાસભ્યોને તેલંગાણા મોકલવામાં આવ્યા હતા. JMMએ તે સમયે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ હોર્સ-ટ્રેડિંગ દ્વારા ધારાસભ્યોને પક્ષ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આજથી બે દિવસનું વિશેષ સત્ર
ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર પણ આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે. સોમવાર અને મંગળવારે ચાલી રહેલા આ સત્રમાં સરકાર બહુમત સાબિત કરશે.
ધારાસભ્ય ત્રણ દિવસથી હૈદરાબાદના રિસોર્ટમાં હતા
VIDEO | “Our alliance will definitely win the ‘Vote of Confidence’ with good numbers tomorrow. We have (support of) 48 MLAs,” says Congress MLA Alamgir Alam on the floor test in Jharkhand Assembly scheduled to be held on February 5. pic.twitter.com/xMJLRRF1Qb
— Press Trust of India (@PTI_News) February 4, 2024
હકીકતમાં, JMMના નેતૃત્વ હેઠળના ગઠબંધનના લગભગ 40 ધારાસભ્યો 2 ફેબ્રુઆરીએ બે ફ્લાઈટમાં હૈદરાબાદ પહોંચ્યા હતા. ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભારતીય જનતા પાર્ટી (BJP) ચંપઈ સોરેનની આગેવાની હેઠળની નવી સરકારના વિશ્વાસ મત પહેલા હોર્સ-ટ્રેડિંગ દ્વારા ધારાસભ્યોને પક્ષ બદલવાનો પ્રયાસ થઈ શકે છે. હવે વિધાનસભામાં વિશ્વાસ મતના એક દિવસ પહેલા રવિવારે ધારાસભ્યો રાંચી જવા રવાના થયા છે. ધારાસભ્ય છેલ્લા ત્રણ દિવસથી એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.
ચંપઈ સરકાર ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત કરશે સાબિત
મુખ્યમંત્રી ચંપઈ સોરેને 2 ફેબ્રુઆરીએ સીએમ તરીકે શપથ લીધા પછી, તેમને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, શાસક ગઠબંધન નેતા આલમગીર આલમે કહ્યું હતું કે, સરકાર 5 ફેબ્રુઆરીએ જ વિશેષ સત્ર દરમિયાન બહુમત સાબિત કરશે. તેમણે કહ્યું હતું કે, અમે આ સમયગાળા દરમિયાન કોઈ જોખમ લઈ શકીએ નહીં, કારણ કે ભાજપ અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે.
પૂર્વ સીએમ હેમંત સોરેન ફ્લોર ટેસ્ટમાં આપી શકે છે હાજરી
મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પણ 5 ફેબ્રુઆરીએ વિધાનસભામાં યોજાનારી ફ્લોર ટેસ્ટમાં હાજર રહી શકે છે. રાંચીની PMLA કોર્ટે આ માટે પરવાનગી આપી છે. હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ ઝારખંડ હાઈકોર્ટ પણ આજે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરશે. પૂર્વ સીએમ હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડની કાર્યવાહીને પડકારી છે.
શું છે ઝારખંડ વિધાનસભાનું ગણિત ?
81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે મુખ્યમંત્રી ચંપઈ સોરેનને 41 ધારાસભ્યોનું સમર્થનની જરૂર પડશે. શાસક ગઠબંધન સરકાર દાવો કરે છે કે, તેની પાસે 46 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભાની 81 સીટોમાંથી એક સીટ ખાલી છે. આવી સ્થિતિમાં 80 સીટો માટે બહુમતનો આંકડો 41 છે.
કોણ છે ચંપઈ સોરેન?
ચંપઈ સોરેન ઝારખંડ વિધાનસભાના સભ્ય છે. હાલમાં તેઓ ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી તરફથી સરાયકેલા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. કેબિનેટ મંત્રી તરીકે તેઓ હેમંત સોરેન સરકારમાં પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગની જવાબદારી સંભાળતા હતા.
આ પણ જુઓ: ઝારખંડમાં કાલે નવી સરકારનો ફ્લોર ટેસ્ટ, હૈદરાબાદથી MLA પરત ફર્યા