બાંગ્લાદેશ બાદ હવે USમાં પણ વિદ્યાર્થીઓ ઉતરી રહ્યા છે રસ્તા પર, જાણો કેમ?
અમેરિકા, 15 ઓગસ્ટ: બાંગ્લાદેશ બાદ હવે અમેરિકામાં વિદ્યાર્થીઓનું આંદોલન જોર પકડી રહ્યું છે. પેલેસ્ટાઈન તરફી વિદ્યાર્થી સંગઠન ધ યંગ ડેમોક્રેટિક સોશ્યલિસ્ટ ઓફ અમેરિકા (YDSA)એ તેમની હડતાળના ભાગરૂપે આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન વર્ગોના બહિષ્કારની જાહેરાત કરી છે. YDSA એ કહ્યું છે કે વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરશે અને આ સમયગાળા દરમિયાન યુનિવર્સિટીઓ અને કોલેજોનો બહિષ્કાર કરશે. આ વિદ્યાર્થીઓએ ગત શૈક્ષણિક સત્રમાં પણ તેમનું આંદોલન ચાલુ રાખ્યું હતું.
ધ ફ્રી પ્રેસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના દૂર-ડાબેરી ડેમોક્રેટિક સમાજવાદીઓની યુવા અને વિદ્યાર્થી શાખા, YDSAએ ગયા મહિને જ એક નવો ઠરાવ પ્રકાશિત કર્યો હતો, જેમાં દેશભરની 100 થી વધુ યુનિવર્સિટી ચેપ્ટરના સભ્યોને “સ્ટુડન્ટ સ્ટ્રાઈક ફોર પેલેસ્ટાઈન” ચળવળમાં ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને શૈક્ષણિક સત્ર 2024-2025ની શરૂઆતમાં યુનિવર્સિટીઓનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે ગાઝામાં યુદ્ધવિરામ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરવા માટે વિદ્યાર્થી સંગઠનોને તેમના સંબંધિત શૈક્ષણિક કેમ્પસમાં હડતાલ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. જોકે, વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી કે તેમની હડતાલ ક્યાં સુધી ઈઝરાયલ વિરોધી વિરોધમાં ચાલુ રહેશે. અમેરિકાના કોલેજ કેમ્પસમાં ડાબેરીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમના આંદોલનના વિકાસમાં નવીનતમ છે. આ વિદ્યાર્થી સંગઠનો ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના આક્રમણનો વિરોધ કરી રહ્યા છે અને પેલેસ્ટિનિયન નાગરિકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
ત્રણ યુનિવર્સિટીઓના વડાઓએ પદ ઉપરથી આપી દીધુ રાજીનામું
ગત શૈક્ષણિક સત્રમાં પણ અમેરિકન કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ચળવળોને સેમિટિક વિરોધી કહેવામાં આવે છે. આ દરમિયાન ઘણી યુનિવર્સિટીઓમાં હિંસક અથડામણ પણ થઈ હતી. કોલંબિયા અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભારે અરાજકતા સર્જી હતી. દરમિયાન, ત્રણ યુનિવર્સિટીના વડાઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોલંબિયા યુનિવર્સિટીના પ્રમુખ મિનોચે શફીકે નવા સત્રની શરૂઆતના થોડા અઠવાડિયા પહેલા બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. છેલ્લું સત્ર, કોલંબિયા યુનિવર્સિટીનું કોલેજ કેમ્પસ ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી વિદ્યાર્થીઓના આંદોલનનો અખાડો બની ગયું હતું.
શફીક પહેલા, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રમુખ લિઝ મેગિલે બે વર્ષથી ઓછા કાર્યકાળ બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજીનામું આપ્યું હતું. જાન્યુઆરીમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ ક્લાઉડિન ગેએ પણ રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો: ભારતના ચાર પાડોશી દેશોમાં એક સરખાં કાવતરાં અને એક સરખાં પરિણામ? આવું કેમ!