અમૂલની અમેરિકામાં સફળતા બાદ યુરોપના બજારમાં પ્રવેશવાની તૈયારી
- અમૂલ દૂધનું વાર્ષિક ટર્નઓવર 80 હજાર કરોડ રૂપિયાનું રહેલું છે
નવી દિલ્હી, 7 ઓકટોબર: અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા…અમૂલ દૂધની જાહેરાતમાં આવતી આ લાઈન બધાએ વાંચી અને સાંભળી હશે. હવે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ અમૂલનું દૂધ પીશે. અમેરિકન બજારમાં સફળતા મળ્યા બાદ અમૂલનું દૂધ યુરોપમાં પણ વેચાવા લાગશે. આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો કોઈ યૂરોપિયન દેશોમાં ફરવા જશે તો ત્યાં પણ તે અમૂલ દૂધની મજા માણી શકશો. અમૂલ દૂધનું વાર્ષિક ટર્નઓવર 80 હજાર કરોડ રૂપિયાનું છે
અમૂલ દૂધ, તે માત્ર એક નામ નથી પરંતુ દેશના લગભગ દરેક ઘર સાથે જોડાયેલી લાગણી છે. આ વર્ષે માર્ચમાં અમૂલનું દૂધ અમેરિકામાં પણ ઉપલબ્ધ થવા લાગ્યું હતું. અમૂલ દૂધે દેશની બહાર પગ મૂક્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો.
અમૂલના મેનેજિંગ ડિરેક્ટરે શું કહ્યું?
અમૂલ બ્રાન્ડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ નામની સહકારી સંસ્થાના સંચાલન હેઠળ ચાલે છે. આ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, “અમૂલ દૂધ થોડા મહિના પહેલા અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને તે ખૂબ ગમ્યું. કંપનીનો આ પ્રયોગ સફળ રહ્યો. અમૂલ દૂધ હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.” મહેતાએ XLRI દ્વારા આયોજિત 11મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ વ્યાખ્યાનમાં આ માહિતી આપી હતી. મહેતાએ કહ્યું કે, ભારત હવે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે. આ ઉપરાંત, તે આવનારા વર્ષોમાં વિશ્વના કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું દૂધ ઉત્પાદન માટે તૈયાર છે.
ભારતમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન
ભારતની દૂધ ઉત્પાદન ક્ષમતા વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં 25% હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-2023માં દૂધનું ઉત્પાદન 231 MMT (મિલિયન મેટ્રિક ટન) હતું. છેલ્લા દાયકામાં દૂધ ઉત્પાદન 6% (વાર્ષિક)ના દરે વધ્યું છે.
અમેરિકામાં 6 મહિનામાં ઝંડો લહેરાવ્યો
અમૂલે આ વર્ષે માર્ચ મહિનામાં અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. અમૂલ દૂધ ભારતની બહાર કોઈ દેશમાં પ્રવેશ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. અમૂલે અમેરિકામાં ચાર પ્રકારના મિલ્ક વેરિઅન્ટ લોન્ચ કર્યા હતા. જેમાં અમૂલ ફ્રેશ, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમનો સમાવેશ થાય છે. આ માટે અમૂલે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) સાથે ભાગીદારી કરી હતી. આ અમેરિકાની 108 વર્ષ જૂની ડેરી કોઓપરેટિવ છે.
લોકો કેટલું દૂધ પીવે છે?
વર્ષ 2022-2023માં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા વિશે વાત કરવામાં આવે તો, ભારતમાં લોકો પ્રતિ દિવસ 459 ગ્રામ દૂધ છે, જ્યારે વિશ્વમાં લોકો પ્રતિ દિવસ 322 ગ્રામ દૂધ પીવે છે.
ડેરી ક્ષેત્રનું મોટું યોગદાન
દૂધ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો કરે છે. મોટાભાગના ગ્રામીણ લોકો માટે દૂધ ઉત્પાદન એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. દેશના અર્થતંત્રમાં ડેરી ક્ષેત્રનું યોગદાન 5 ટકા છે. લગભગ 8 કરોડ ખેડૂતો તેની સાથે જોડાયેલા છે. નિષ્ણાતોના મતે આગામી 5 વર્ષમાં 15 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. ઘણા ડેરી સંબંધિત સ્ટાર્ટઅપ્સ પણ ઉત્તમ કામ કરી રહ્યા છે.
80 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ
અમૂલ તેના ઉત્પાદનોના વેચાણથી વાર્ષિક મોટી આવક મેળવે છે. માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ 80 હજાર કરોડ રૂપિયા હતું. અમૂલના દેશભરમાં 107 ડેરી પ્લાન્ટ છે. આ બ્રાન્ડ 50થી વધુ ઉત્પાદનોનું વેચાણ કરે છે અને દરરોજ 310 લાખ લિટર દૂધ એકત્ર કરે છે. દેશભરમાં અમૂલના લગભગ 22 અબજ પેકેટનું વાર્ષિક વેચાણ થાય છે. તેની સાથે 35 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે.
આ પણ જૂઓ: PM મોદીએ પોતે લખેલા ગરબાની મધુર પ્રસ્તુતિ માટે પૂર્વા મંત્રીને ધન્યવાદ આપ્યાઃ જૂઓ ગરબો