વિશેષ

અમુલ બાદ સુમુલનું દૂધ પણ થયું મોંઘુ, તહેવારો પછી રૂ.2 વધારો લાગુ થશે

Text To Speech

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમૂલે 6 મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો હતો. ત્યારે હવે સુરતની સુમુલ ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ બાદ સુમુલે પણ દૂઘના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ નવો ભાવ આગામી અઠવાડિયાથી લાગુ થઇ જશે. જોકે અમુલ દ્વારા નવો ભાવ લાગૂ કરી દેવામાં આવ્યો છે.

સુમુલે પશુપાલકોને દુધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો આપ્યો

સુરત સુમુલ ડેરીએ આગામી 21મી ઓગષ્ટથી સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને દુધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો આપ્યો છે. જેને લઇને હવે ભેંસનું દૂધ ભરનારા પશુપાલકોને કિલોફેટે 740ને બદલે 750 રૂપિયા મળશે. જ્યારે ગાયનું દૂધ ભરનારા પશુપાલકોને ૭૨૫ને બદલે 735 રૂપિયા મળશે. સુમુલ ડેરીએ ત્રણ મહિનામાં બીજી વખત પશુપાલકોને દૂધના ભાવમાં કીલોફેટે 10 રૂપિયાનો વધારો આપ્યો છે. અગાઉ 25ની મેના રોજ 10 રૂપિયાનો ભાવ વધારી આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સુમુલ ડેરી દરરોજ 17 લાખ લીટર દૂધ પશુપાલકો પાસેથી એકત્ર કરે છે. જ્યારે સુરત અને તાપી જિલ્લાના રોજિંદા 15થી 16 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે.

જીવન જરૂિયાતની તમામ ચીજોના ભાવ આસમાને

દૂધના ભાવમાં વધારો લોકો પર પડ્યા પર પાટુ સમાન છે. એક તરફ જ્યારે CNG, પેટ્રોલ અને ડીઝલના પણ ભાવ આસમાને છે. શાકભાજી અનાજ-કરીયાણું, દૂધ, દહીં, તેલમાં પણ અસહ્ય ભાવ વધારો થઈ રહ્યો છે તેવા સમયે દૂધમાં થયેલા ભાવધારાએ લોકોમાં રોષની લાગણી જન્માવી છે. જો કે દરેક વસ્તુમાં સતત ભાવ વધારાના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા એક સપ્તાહથી શાકભાજીના ભાવોમાં ઉછાળો આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. તમામ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેને કારણે ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને દૂધી, ભીંડા, કાકડી, કોબીજ સહિત તમામ શાકભાજીના ભાવ એક સપ્તાહની સરખામણીમાં રૂ.20 થી રૂ.30 કિલો વધી ગયા છે. આ ભાવવધારો ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર માટે કમરતોડ સાબિત થયો છે. આમ, હવે મોંઘવારીનો માર માત્ર સામાન્ય લોકોને જ નહીં, રાજ્યના તમામ વર્ગના લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સરકાર વહેલી જાગીને લોકોના હિતમાં મોંઘવારી પર લગામ કસે તો સરકાર અને જનતા બન્નેના હિતમાં રહેશે.

Back to top button