હવે આ કોંગ્રેસનું શું થશે? અંબરીશ ડેર પછી ભાજપનું ઓપરેશન ‘અર્જુન’ મોઢવાડિયા
અમદાવાદ, 4 માર્ચ 2024, લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ થઈ ગયું છે. કોંગ્રેસના મોટાભાગના દિગ્ગજોને ભાજપે પક્ષપલટો કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આજે રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક ગણાતા અર્જુન મોઢવાડિયા પણ પક્ષથી નારાજ હોવાને કારણે કોઈપણ સમયે રાજીનામું આપે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસમાં આ મોટું ભંગાણ માનવામાં આવે છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસ અંગેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા આ મોટા નેતા અર્જુન મોઢવાડિયા હાજર હતા નહીં. આ પરિસ્થિતને જોતા અનેક તર્કવિતર્કો ચર્ચાઇ રહ્યા છે.
કોંગ્રેસમાં અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે
અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આઠમી માર્ચે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરૂ થવાની છે. ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે. આજે અથવા આવતીકાલે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે. અત્યારે ગુજરાતમાં કોંગ્રેસના જે ધારાસભ્યો બાકી રહ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે. પોરબંદરમાં મેર અને લેઉવા પાટિદારનું પ્રભુત્વ છે.એટલે જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે તે બેઠક પર હાઇએસ્ટ માર્જિન સાથે જીત મળે એમ છે.
શક્તિસિંહે મોઢવાડિયાના નામ મુદ્દે બચાવ કર્યો
પક્ષના નેતાઓના પક્ષપલટા મુદ્દે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ રૂપિયા ગણીને ધારાસભ્યો ખરીદવાનું કામ કરે છે. પરંતુ કોંગ્રેસના એવા પણ કાર્યકર્તા છે કે જેને ભાજપ રૂપિયાથી પણ ખરીદી નથી શકતી. અહેમદ પટેલનાં સમયમાં અમારા ઘણા ધારાસભ્યો ભાજપમાં ગયા હતા પરંતુ 15 જેટલા ધારાસભ્યો ફરી ક્યારેય ચૂંટાઈ શક્યા ન હતા. અર્જુન મોઢવાડિયા અંગે તેમણે કહ્યુ કે, અર્જુન મોઢવાડિયા સાથે આજે સવારે જ રાહુલ ગાંધીની યાત્રા અંગે ફોન પર વાત કરી છે. તેમણે ફોનમાં જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી યાત્રા અંગેની તૈયારીઓ બરાબર ચાલી રહી છે. કાર્યકર્તાઓમાં જુસ્સો છે આવી વાતચીત પણ થઇ હતી.
આ પણ વાંચોઃરાહુલ ગાંધીની યાત્રા પહેલા ભાજપનું ઓપરેશન ‘અંબરિશ ડેર’, જાણો શક્તિસિંહનો નિર્ણય