ગુજરાતમધ્ય ગુજરાતહેલ્થ

આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે! : બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનાં અંગદાનની સાથે સિવિલ હોસ્પિટલમાં થયું 93મું અંગદાન

Text To Speech

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૩મું અંગદાન થયું હતું, જેમાં અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે તેનાં બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું હતું. આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે ને….આ વિચારધારાથી વરેલા અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારના જલ જીવન મિશનને મળી રહી છે આંતરરાષ્ટ્રીય ખ્યાતી, જાણો કેમ ?

 Organ Donation at Civil Hospital - Hum Dekhenge News

સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય શેખ રૂબેનભાઈને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતાં ૧૪ ઓક્ટોબરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ૧૬મી ઓક્ટોબરના રોજ તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતાં હોસ્પિટલના તબીબોએ તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. ત્યારબાદ વટવાના આ મુસ્લિમ પરિવારે માનવતાની મિશાલ પ્રસ્થાપિત કરવા અંગદાનનો સંવેદનશીલ અને માનવતાવાદી નિર્ણય કર્યો હતો.અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ રૂબેનભાઇના અંગોને રીટ્રાઇવલ માટે લઇ જવામાં આવ્યા. જ્યાં પાંચથી છ કલાકની જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.જે સિવિલ હોસ્પિટલનું 93મું અંગદાન બન્યું છે. જેને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

 Organ Donation at Civil Hospital - Hum Dekhenge News

અંગદાન વખતે આઇ.સી.યુ.માં કોમી એખલાસનાં દૃશ્યો સર્જાયાં

રૂબેનભાઇના અંગદાન વેળાએ સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં પણ કોમી એખલાસનાં દૃશ્યો સર્જાયાં હતાં. બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જતા પહેલાં કરવામાં આવતી પ્રાર્થના સમયે એક બાજું ઇશ્વરને પ્રાર્થના અને બીજુ બાજું પરવર દીગારને બંદગી કરતાં કોમી એખલાસનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનાં અંગદાનની આ પ્રથમ ઘટના

અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, બ્રેઇનડેડ રૂબેનભાઇના અંગદાનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ ૯૩ અંગદાન થયાં છે. જેમાં અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાનની આ પ્રથમ ઘટના છે. આ અગાઉ કચ્છના એક મુસ્લિમ પરિવારે પણ અંગદાન કર્યું હતું. સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે જ કોમી એખલાસનું પ્રતીક સમું આ અંગદાન બની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિલમાં અત્યાર સુધીમાં થયેલાં ૯૩ અંગદાનમાં મળેલાં ૨૯૪ જેટલાં અંગોના પરિણામે ૨૭૨ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

Back to top button