કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ અને વડોદરા બાદ હવે કાલે સૌરાષ્ટ્ર્રની ત્રણ મનપામાં મેયરની ચૂંટણી

Text To Speech

રાજકોટ, ભાવનગર, જામનગર સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયરની અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂરી થયા બાદ હવે બાકીના અઢી વર્ષ માટે કોણ મેયર અને ડેપ્યુટી મેયર બનશે તે માટે આજે અમદાવાદ વડોદરા સુરત મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ છે. જ્યારે કે, સૌરાષ્ટ્ર્રની રાજકોટ જામનગર અને ભાવનગર મહાનગરોમાં આ માટે ખાસ સામાન્ય સભા આવતીકાલે મળશે અને તે પહેલા ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે. પ્રદેશ કક્ષાએથી જે નામની જાહેરાત કરવામાં આવશે તે સૌ પ્રથમ સંકલન સમિતિમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય સભામાં રજૂ કરાશે.

અન્ય પદાધિકારીઓની પણ નિમણુંક

મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી અને અન્ય કમિટીઓના સભ્યોના નામોની જાહેરાત પણ આવતીકાલે જ કરી દેવામાં આવશે. જોકે ચેરમેનની નિમણૂક જે તે કમિટીના સભ્યો દ્રારા કરવામાં આવતી હોવાથી સામાન્ય સભા પૂરી થયા બાદ કમિટીઓની બેઠક મળશે અને તેમાં ચેરમેન વાઇસ ચેરમેન સહિતના નામો સંદર્ભે દરખાસ્ત મૂકી ચૂંટણી યોજવામાં આવે છે.

સંગઠન પ્રમુખને નામોની જાણ કરાશે

ભાજપ પ્રદેશ ભાજપ દ્રારા સવારે જે તે મહાનગરના ભાજપ સંગઠન માળખાના પ્રમુખને મેસેજ કરીને નામની જાહેરાત કરવામાં આવે છે અને તે મેસેજ નું વંચાણ સંકલન સમિતિમાં કરાયા બાદ સામાન્ય સભામાં જે તે નામની દરખાસ્ત મુકવામાં અને ટેકો આપવામાં કોનું નામ રાખવું એ નિર્ણય લઈ સામાન્ય સભામાં મૂકવામાં આવે છે.

પરમદિવસે પંચાયતોની વરણી

જિલ્લા અને તાલુકા પંચાયતોની તથા નગરપાલિકાઓની પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી તારીખ 13 ના રાખવામાં આવી છે મહાનગરપાલિકા કરતા થોડી અલગ રીતે આ ચૂંટણીનું યોજાતી હોય છે. તારીખ 12 ના બપોરે પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણીના ફોર્મ ભરવાના હોય છે અને તેથી નામની જાહેરાત સત્તાવાર રીતે થાય તે પહેલા એક દિવસે નામ મળી જતા હોય છે.

Back to top button