‘આઝાદીના 75 વર્ષ બાદ દેશભક્તિ અને રાષ્ટ્રવાદની લહેરનું પુનરાવર્તન થયું છે’ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી


સુરતઃ ‘આઝાદી ના અમૃત મહોત્સવ’ અંતર્ગત તિરંગા અને રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબદ્ધતાને દોહરાવવા તેમજ આઝાદીના ૭૫માં વર્ષની પૂર્ણાહૂતિએ રાષ્ટ્રધ્વજને ઘરે-ઘરે પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત ‘હર ઘર તિરંગા અભિયાન’ દેશભરમાં રાષ્ટ્રપ્રેમનો રંગ જમાવી રહ્યું છે. ત્યારે સુરતના અલથાણ-બમરોલી વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા આયોજિત ‘પોલીસ તિરંગા પરેડ’ને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પરેડ સાથે આયોજિત તિરંગા યાત્રામાં ગૃહરાજ્યમંત્રી પણ જોડાયા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશમાં હર્ષોલ્લાસ સાથે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશભક્તોએ વડાપ્રધાનના હર-ઘર તિરંગાના આહ્વાનને જન આંદોલન સ્વરૂપે સમર્થન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે રજિસ્ટર્ડ થઈ હોય તેવી 1000થી વધુ તિરંગા યાત્રા યોજાઈ તે રાષ્ટ્રપ્રેમનું જીવંત ઉદાહરણ છે.

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના સૌ નાગરિકોને એક કરવાની મુહિમ ગુજરાત પોલીસે ઉપાડી છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ દેશભક્તિ અને રાષ્ટ્રવાદની લહેરનું પુનરાવર્તન થયું છે. તિરંગા યાત્રામાં જોડાયેલા શાળાઓના પ્રત્યેક વિદ્યાર્થીઓની આંખોમાં ભારતની એકતાના દર્શન થઈ રહ્યા છે.

આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે, આઝાદી પછી આપણે સમર્થ-સશક્ત બન્યા છીએ. મહામૂલી આઝાદીની કિંમત સૌએ સમજવી આવશ્યક છે. વિશ્વના અગ્રિમ હરોળના દેશોમાં ભારત પણ સ્થાન પામે અને દેશના વધુમાં વધુ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા અને જુસ્સો જાગે તે માટે આ તિરંગા યાત્રામાં નિમિત્ત બનશે. રાજ્યના આપણા યુવા ગૃહરાજ્યમંત્રી ટેક્નોલોજી અને સશક્ત પોલીસના હિમાયતી છે એટલે ગુજરાત પોલીસ કદમ કદમ પર પર સાહસ, ધગશ અને શૌર્ય સાથે ફરજ નિભાવી રહી છે.

આ તિરંગા પરેડ અને યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને રાષ્ટ્રપ્રેમીઓ તિરંગા પોલીસ પરેડમાં જોડાયા હતા. જેમાં વિવિધ પ્લાટૂન જેવી કે બિન હથિયારી, રાયોટ કંટ્રોલ, ટીઆરબી, હોમગાર્ડ, એનસીસી, ઘોડેસવાર, કમાન્ડો, મહિલા, માઉન્ટેડ, બાઈક રાઈડર્સ, વજ્ર, બંકર પ્લાટૂનો પરેડમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમના અંતમા ગૃહરાજ્યમંત્રીએ પોલીસ જવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચી મોં મીઠુ કરાવ્યું હતું.
