અમદાવાદઃ બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે ભવ્ય રીતે યોજાશે. આ નિર્ણય બાદ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન થાય તેની તૈયારી માટે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું માર્ગદર્શન લઈ અને અધિકારીઓને એ મુજબ વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
કોરોના મહામારીના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવી ન હતી. ગત વર્ષે સદાઈથી ભક્તો વગર જ રથ યાત્રા યોજાઈ હતી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થઇ ગયો છે. રથયાત્રાને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ થઇ ગયો છે. ત્યારે રથયાત્રાને લઇને અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર તથા ટ્રાફિક જેસીપી પણ હાજર રહ્યાં હતાં.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી
આજરોજ ગુજરાત ના લોકો નું આસ્થા નું કેન્દ્ર શ્રી જગન્નાથજી મંદિરે, ભગવાન જગન્નાથજી ના દર્શન કરી, આશીર્વાદ મેળવવાનો શુભ અવસર પ્રાપ્ત થયો.
જગન્નાથ મંદિરનો ઈતિહાસ 450 વર્ષો જૂનો છે, જે આપણા ગુજરાતના આસ્થાની અમિટ છાપ અંકિત કરે છે. pic.twitter.com/wHryM2On9o
— Harsh Sanghavi (@sanghaviharsh) May 13, 2022
રથયાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વચ્ચે યોજાયેલી બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે, ’કોરોનાના કારણે 2 વર્ષ બાદ આ ભવ્ય રથયાત્રા નીકળશે. જેમાં લાખો ભક્તો દર્શન કરશે. તારીખ 14 જૂનના રોજ જળ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી જોડાશે. આજે ગૃહ રાજ્યમંત્રીએ ભગવાનની આરતી કરીને મહંતના આશિર્વાદ લીધા. ભગવાનના દર્શન કરવા શહેરીજનોની સુરક્ષાને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.તાજેતરમાં જ અખાત્રીજના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે.
ગત વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નગર યાત્રાએ નિકળી હતી જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ કરાઈ હતી વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. ગત વર્ષે અમદાવાદની રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તોની હાજરી વગર નિકળી હતી. બીજી તરફ 14 કલાકની નગર યાત્રાનું 22 કિમીનું અંતર માત્ર 4 કલાકમાં ઝડપથી પૂર્ણ કરીને નિજ મંદિરે પરત આવી ગયા હતી.