- તુર્કીના દક્ષિણ હટે પ્રાંતમાં બે તાજા ભૂકંપના આંચકા
- ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીના અંતાક્યા શહેર નજીક હતું
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે
તુર્કી અને સીરિયાની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. તુર્કીમાં સોમવારે 14 દિવસ બાદ ફરી એકવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં 3 લોકોના મોત થયા છે. 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ભૂકંપ તુર્કીના દક્ષિણ હટે પ્રાંતમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. સોમવારના ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીના અંતાક્યા શહેર નજીક હતું. સીરિયા, ઇજિપ્ત અને લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કી-સીરિયામાં 14 દિવસ બાદ ફરી મોટો ભૂકંપ
અનાદોલુ એજન્સીએ તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુને ટાંકીને જણાવ્યું હતું કે તુર્કીના દક્ષિણી હટે પ્રાંતમાં બે તાજા ભૂકંપના આંચકાથી ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય 213 લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સોમવારે હટે પ્રાંતની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર આવતા મહિનાની શરૂઆતમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં લગભગ 200,000 નવા ઘરોના નિર્માણનું કામ શરૂ કરશે.
ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી
તુર્કી અને સીરિયાના સરહદી વિસ્તારમાં સોમવારના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 6.4 હતી. તાજેતરના ભૂકંપમાં 14 દિવસ બાદ ફરી એકવાર કેટલીક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. કાટમાળ અને ધુમાડાએ ઘણા લોકોને ઘેરી લીધા હતા. 14 દિવસ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ જ્યારે ભૂકંપ આવ્યો હતો, ત્યારે ઘણી ઇમારતોમાં તિરાડો પડી ગઈ હતી અથવા તો પડી ગઈ હતી અને નમી ગઈ હતી. ત્યારબાદ તેને જોખમી જાહેર કરવામાં આવી હતી અને રહેવાસીઓને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા હતા.
તુર્કી-સીરિયામાં 47 હજારથી વધુના મોત
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં 47 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો મકાનોને નુકસાન થયું છે. દુનિયાભરના દેશો તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. ભૂકંપ પીડિતોને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. વિનાશક ભૂકંપમાં લાખો લોકો બેઘર બન્યા છે. સીરિયાના કેટલાક વિસ્તારોમાં વિદ્રોહીઓ સાથેની લડાઈને કારણે રાહત સામગ્રી મોકલવામાં મુશ્કેલી પડી રહી છે.