ટ્રેન્ડિંગનેશનલ

ટાઈગર ઈઝ હીયરઃ દીવાલ પર ફર્યો, આરામ કર્યો, સેંકડો લોકો જોતા રહ્યા

પીલીભીત, (ઉત્તર પ્રદેશ), 26 ડિસેમ્બર: પીલીભીતના વસ્તીવાળા વિસ્તારમાં વાઘ ઘૂસી આવતાં વનવિભાગે 12 કલાક પછી તેને પકડી પાડ્યો હતો. જિલ્લામાં મોડી રાત્રે જંગલમાંથી વાઘ છૂટી પડ્યો હતો અને ગામમાં ઘૂસી ગયો હતો. જે બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી. વાઘને જોતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, વાઘની એક ઝલક જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. દિવાલ પર આરામથી બેઠેલા વાઘનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વાઘ ઘૂસતાં સ્થાનિકોમાં ગભરાટનો માહોલ

રાત્રે વાઘ પીલીભીત જિલ્લાના ટાઈગર રિઝર્વ જંગલમાંથી બહાર આવ્યો અને કાલીનગર વિસ્તારના અટકોના ગામમાં પહોંચ્યો. વાઘને દિવાલ પર આરામ કરતા જોઈને રખડતા કૂતરાઓના ભસવાના કારણે ગ્રામજનો સતર્ક થઈ ગયા હતા. વાઘના સમાચાર આસપાસના વિસ્તારોમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. જે બાદ દિવાલ પર ઊભા રહેલા વાઘને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. વાઘે આખી રાત ગામલોકોને જગાડી રાખ્યા અને પોતે દીવાલ પર બેસી રહ્યો.

12 કલાક પછી ભારે જહેમત બાદ વાઘ પકડાયો

વિસ્તારમાં વાઘ હોવાની માહિતી મળતાંની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા જાળીનો ઉપયોગ કરીને સુરક્ષા કોર્ડન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આજે સવારે વન વિભાગના અધિકારીઓએ ટ્રાન્કવીલાઇઝર આપી વાઘને બેભાન કર્યો હતો અને ત્યારબાદ તેને પાંજરામાં બંધ કરીને પોતાની સાથે લઈ ગયા હતા. 12 કલાક પછી વાઘ પકડી જતાં ગામવાસીઓ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

ગ્રામજનોમાં વન વિભાગ સામે આક્રોશ

બીજી તરફ, ઘટના બાદ વિસ્તારના લોકોમાં વન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે વાઘ જંગલમાંથી ઘરોમાં ઘૂસવા લાગ્યા છે. પીલીભીત એક વાઘ અભ્યારણ્ય છે અને જિલ્લામાં ચાર મહિનામાં વાઘના હુમલાને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2015માં ટાઈગર રિઝર્વની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં વાઘના હુમલાની ઓછામાં ઓછી ચાર ડઝન ઘટનાઓ નોંધાઈ છે.

આ પણ વાંચો: જ્યારે બે વાઘની લડાઈ પ્રવાસીઓને લાઈવ જોવા મળી…

Back to top button