શ્રદ્ધા હત્યાકાંડઃ પૉલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ, હત્યા કર્યાની આફતાબની કબૂલાત
દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા શ્રદ્ધા હત્યાકાંડમાં છેવટે આફતાબે ગુનાની કબૂલાત કરી લીધી છે. જી હાં, પૉલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આરોપી આફતાબે શ્રદ્ધા વૉકરની હત્યા કર્યાની કબૂલાત કરી છે. પોલીસના કહેવા મુજબ, પૉલીગ્રાફ ટેસ્ટમાં આફતાબે શ્રદ્ધાની હત્યાની કબૂલાત કરતા કહ્યું હતું કે- મને શ્રદ્ધાની હત્યા કરવાનો કોઈ અફસોસ નથી.
1 ડિસેમ્બરે આફતાબનો નાર્કો ટેસ્ટ
મહત્વનું છે કે, મંગળવારે આફતાબનો પાંચમી વખત પૉલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પૉલીગ્રાફ ટેસ્ટ દરમિયાન દિલ્લી પોલીસની સાથે FSLની ટીમ પણ હતી. ટૂંક સમયમાં આફતાબનો પૉલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે. કોર્ટે દિલ્લી પોલીસને આફતાબના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દીધી છે, ત્યારે પૉલીગ્રાફ ટેસ્ટ બાદ આરોપી આફતાબનો પહેલી ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
શ્રદ્ધાના માથાની શોધખોળ યથાવત્
શ્રદ્ધા હત્યાકાંડની તપાસ હવે ધીરે-ધીરે આફતાબ પર કાયદો સકંજો વધુ મજબૂત થાય તે રીતે થઈ રહી છે. હત્યાકાંડની તપાસ કરતી પોલીસ શ્રદ્ધાના હાડકા શોધવા માટે મહરૌલીના જંગલમાં ગઈ હતી. ત્યારે પોલીસને 13 હાડકાં મળી આવ્યા હતા. તે હાડકાં અને શ્રદ્ધાના પિતાનો DNA ટેસ્ટ કરાયો હતો. સૂત્રો મુજબ શ્રદ્ધાના પિતાના DNA તેમજ જંગલમાંથી મળી આવેલા હાડકાંના DNA મેચ થયા હતા. પરંતુ, હજુ સુધી આ કેસમાં પોલીસને શ્રદ્ધાનું માથુ મળી આવ્યું નથી. તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.