અફઘાનિસ્તાનમાં આજે સવારે આવેલા ભૂકંપના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. અફઘાનિસ્તાનમાં આવેલા 6.1ની તીવ્રતાના આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 280 લોકોના મોત થયા છે. જ્યારે 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિમી દૂર હતું. ભૂકંપમાં ઓછામાં ઓછા 280 લોકોના મોત થયા છે.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે, આ ભૂકંપની અસર 500 કિમીની ત્રિજ્યામાં હતી. જેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટ કર્યું કે, દુર્ભાગ્યવશ, ગઈકાલે રાત્રે પક્તિકા પ્રાંતના ચાર જિલ્લામાં તીવ્ર ભૂકંપ આવ્યો. જેમાં આપણા સેંકડો દેશવાસીઓ માર્યા ગયા અને ઘાયલ થયા અને ડઝનબંધ ઘરો બરબાદ થયા. અમે તમામ ઇમરજન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે તે વધુ વિનાશને રોકવા માટે આ વિસ્તારમાં ટીમ મોકલે.
અફઘાનિસ્તાનની સરકારી સમાચાર એજન્સીના રિપોર્ટર અબ્દુલ વાહિદ રાયાને એક ટ્વિટમાં જણાવ્યું કે, પક્તિકા પ્રાંતના બર્મલ, ઝિરુક, નાકા અને ગ્યાન જિલ્લામાં લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે સુરક્ષા દળોના હેલિકોપ્ટર વિસ્તારમાં પહોંચ્યા છે.
બીજી તરફ, પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલતાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.