અફઘાનિસ્તાન : પરવાન પ્રાંત પાસે સલંગ પાસ ખાતેની ટનલમાં લાગી મોટી આગ, 19 ના મોત
અફઘાનિસ્તાનના પરવાન પ્રાંત પાસે સલંગ પાસ ખાતેની ટનલમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. અફઘાન મીડિયાએ રિપોર્ટમાં આ જાણકારી આપી છે. જેમાં ખામા પ્રેસ ન્યૂઝ એજન્સીએ પરવાન પ્રાંતના તાલિબાનના પ્રવક્તા હિકમતુલ્લાહ શમીમને ટાંકીને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા હજુ ગણાઈ રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા હાલની સંખ્યા કરતા ઘણી વધારે હોઈ શકે છે.
શનિવારે મોડી રાત્રે બની હતી ઘટના
અહેવાલો અનુસાર, શનિવારે મોડી રાત્રે ઓઇલ ટેન્કર પલટી જવાને કારણે ટનલમાં આગ લાગી હતી. સલંગ ટનલના જાળવણીના વડા હાફિઝ મોહમ્મદ યાકુબે જણાવ્યું હતું કે ઘટના દરમિયાન ધુમાડો ભરાઈ જવાથી પીડિતો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. એજન્સીએ અફઘાનિસ્તાન નેશનલ રેડિયો ટેલિવિઝનના અહેવાલને ટાંકીને કહ્યું કે રવિવારે સવારે વધુ એક મૃત્યુ અને 20 અન્ય લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઉપરાંત સલંગ ટનલની છતને પણ મોટું નુકસાન થયું છે.
ટ્રાફીક માટે ટનલ ખુલી મુકાઈ, મૃતકોની ઓળખ બાકી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિતોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને ઘણા પીડિતોના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. જોકે ટનલ હવે ટ્રાફિક માટે ખુલ્લી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ફસાયેલા કેટલાક લોકોને બચાવી લેવાયા છે. આ પહેલા અફઘાનિસ્તાનના લઘમાન પ્રાંતમાં એક કાર પલટી જતાં બે ડોક્ટર સહિત સાત લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના લઘમાન પ્રાંતના દૌલત શાહ જિલ્લાના ફરશાખાન ઘાટીના કેલ ગામમાં બની હતી. લઘમાનના પ્રવક્તા સલામત ખાન બિલાલના જણાવ્યા અનુસાર, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતમાં બે ડૉક્ટર્સ (એક મહિલા અને એક પુરુષ)ના મોત થયા હતા.