ગાંધીનગરમાં એડવર્ટાઈઝમેન્ટ પોલિસી લાગૂ, દંડની જોગવાઇ પણ કરાઇ
- આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી તૈયાર કરવામાં આવી
- માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લાગશે
- કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે
ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે. હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આડેધડ મસ મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવી દેવામાં આવતા હતા
પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગોની આસપાસ આડેધડ મસ મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવી દેવામાં આવતા હતા. જેના કારણે શહેરની સુંદરતા બગડતી હોવાની સાથે માર્ગ સલામતીને પણ જોખમ ઊભું થયું હતું ત્યારે આ મામલે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી તૈયાર કરવામાં આવી રહી હતી. જેને સ્થાયી સમિતિ બાદ મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી.
જે પોલિસીને સભા દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે.
જાહેરખબરો માટે પણ મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડશે
જેમાં હવે હોર્ડિંગ્સ, બેનર, કિઓસ્ક કે વાહનો પર કરવામાં આવતી જાહેરખબરો માટે પણ મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડશે. જેની નિયત ફી પણ મહાનગરપાલિકાને ચૂકવવી પડશે. ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ લગાવી શકાશે અને ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ નહીં લગાવી શકાય તેવા સ્થળો પણ નિયત કરવામાં આવ્યા છે. મંજૂરી વિના ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનાર સામે દંડનીય પગલાં પણ લેવાશે. આ માટે હોર્ડિંગ્સની સાઇઝ મુજબ મહત્તમ પ્રતિ ચોરસમીટર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો આ નિયમ જાણી લેજો