સાહસ : કરબેશ્વર મહાદેવ પર્વત સર કરી વિદ્યાર્થીઓએ આપ્યો અનોખો સંદેશ


પાલનપુર: જી.ડી.મોદી આર્ટસ કોલેજ પાલનપુરના હ્યુમેનીસ્ટ યુથ ફોરમ અને જન સેવા એજ પ્રભુસેવાના સંયુક્ત ઉપક્રમે છાપરા(હાથીદ્રા) ખાતે એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કેમ્પમાં કોલેજના ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય યુવાનો કુદરતના સૌંદર્યને માણે, તેના મહત્વને સમજે સાથે સાથે ટ્રેકિંગ જેવી પ્રવૃતિઓ યુવાનોમાં સ્ફૂર્તિ લાવવાનો, તેમના શરીરને તંદુરસ્ત રાખવાનો હતો. વિદ્યાર્થીઓ બે કિલોમીટર ટ્રેકિંગ કરી કરબેશ્વર મહાદેવની ગુફાએ પહોંચ્યા હતા. અને તે ગુફાઓ અને ધોધની સુંદરતાને માણી હતી. આવી ઘણી ગુફાઓ બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ આવેલી છે જેના વિષે લોકોને પૂરતી માહિતી નથી.

આ ટ્રેકિંગનું ચઢાણ ખુબ સાહસ માંગી લે તેવું હતું જેના થકી યુવાનોમાં એક સાહસવૃત્તિનું પણ નિર્માણ થયું, તેઓ એ વચ્ચે આવતી નદી -ઝરણાંનો પણ ઉત્સાહભેર આનંદ લૂંટ્યો હતો. અંતે વિદ્યાર્થીઓ પર્વતની ટોચ પર પહોંચ્યા હતા, ત્યાં બેસી તેમણે થોડા સમય માટે ધ્યાન તેમજ ૐકાર નાદ ધ્યાન કર્યું હતું અને તેમણે તિરંગો લહેરાવ્યો હતો.આ ટ્રેકિંગમાં કોલેજના પ્રોફેસર અને હ્યુમેનીસ્ટ યુથ ફોરમના મેન્ટર પ્રો.મિહિર દવે, ફોરમના કો-ઓર્ડીનેટર વિક્રમ વજીર પણ જોડાયા હતા.જન સેવા એજ પ્રભુસેવા સંગઠનના જયેશભાઇ સોની દ્વારા આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. અને છાપરા ગામના છગનભાઇ ધ્રાચી અને મુકેશભાઈ ગાઈડે ટ્રેકિંગમાં મદદ કરી હતી. કોલેજના આચાર્ય ચૌહાણના માર્ગદર્શન અને આશીર્વાદ થકી સમગ્ર કાર્યક્રમ સુખરૂપે પૂર્ણ થયો હતો.